મહારાષ્ટ્રમાં હાલમાં જ સ્થાનિક ચૂંટણીઓ યોજાઈ ગઈ જેમાં સત્તાધારી ગઠબંધન મહાયુતિએ વિરોધીઓના સૂપડાં સાફ કરી નાખ્યા. મહાયુતિમાં ભાજપ, શિવસેના (એકનાથ શિંદે), એનસીપી (અજિત પવાર જૂથ) સહિતના પક્ષો સામેલ છે. આ ગઠબંધને 288 નગર પરિષદો અને નગર પંચાયતોમાંથી 207 જગ્યાઓ પર અધ્યક્ષ પદ જીત્યું અને પોતાનો દબદબો સાબિત કર્યો. જેની સરખામણીમાં વિપક્ષી ગઠબંધન મહાવિકાસ આઘાડીને ફક્ત 44 સીટો પર જીત મળી શકી. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા રવિવારે મોડી રાતે બહાર પાડવામાં આવેલા અંતિમ પરિણામો મુજબ ભાજપ 117 અધ્યક્ષ પદ જીતીને સૌથી મોટી પાર્ટી બનીને ઉભર્યો છે. ત્યારબાદ શિવસેના (શિંદે જૂથ)એ 53 અને એનસીપી (અજિત પવાર જૂથ)એ 37 અધ્યક્ષ પદ જીત્યા. એનસીપીએ કુલ 80 સીટો પર ચૂંટણી લડી હતી જેમાંથી 37 પર જીત મેળવી. પુણે જિલ્લામાં પણ મહાયુતિનું પ્રદર્શન જબરદસ્ત રહ્યું. અહીં એનસીપીએ 17માંથી 10 નગર પરિષદો અને નગર પંચાયતોમાં અધ્યક્ષ પદ પોતાના નામે કર્યું. બધુ મળીને શહેરી સ્થાનિક ચૂંટણીઓમાં મહાયુતિએ વિપક્ષને મોટો ફટકો આપ્યો છે.
દેખીતી વાત છે કે આ ચુંટણીના પરિણામોની અસર તુરતમાં યોજાનાર બૃહદ મુંબઇ મહાપાલિકાની ચુંટણી પર પડશે. વિપક્ષી દળોની વાત કરીએ તો કોંગ્રેસે 28 અધ્યક્ષ પદ જીત્યા. જ્યારે શરદ પવાર જૂથની એનસીપીને ફક્ત 7 અને ઉદ્ધવ જૂથની શિવસેનાને 9 સીટ મળી. આ ઉપરાંત રાજ્ય કે રાષ્ટ્રીય સ્તર પર માન્યતા ન મળેલી હોય તેવી પાર્ટીઓએ 4 સીટો જીતી જ્યારે બિન માન્યતા પ્રાપ્ત રજિસ્ટર્ડ પક્ષોના ખાતામાં 28 અધ્યક્ષ પદો ગયા. 5 અપક્ષના ફાળે ગયા. ગત વિધાનસભા ચૂંટણી હાર્યા બાદ વિપક્ષ માટે મહારાષ્ટ્રથી અશુભ સંકેત આવ્યો છે. સ્થાનિક ચૂંટણીઓના પરિણામો સ્પષ્ટ સૂચવે છે કે કોંગ્રેસ અને તેના સહયોગી પક્ષો હજુ સુધી સંગઠનાત્મક રીતે ઉભરી શક્યા નથી. પરિણામોનું એક નોંધપાત્ર પાસુું શિંદે સેનાનો ’સ્ટ્રાઈક રેટ’ એટલો ઊંચો રહ્યો છે કે વિરોધીઓ તો ઠીક, ગઠબંધનના સાથી પક્ષો પણ આશ્ચર્ય પામ્યા છે.
અત્યાર સુધી ભાજપના ટેકાથી જ જીતતી હોવાના આક્ષેપોનો સામનો કરનાર શિવસેનાએ આ વખતે એકલા હાથે મેદાન મારીને પોતાની શક્તિ સાબિત કરી દીધી છે. એટલું જ નહીં ભાજપના વર્ચસ્વવાળા વિસ્તારો અને કયાનક અજિીત ચવ્વાણની એનસીપીના દરદબાવાળા વિસ્તારોમાં સફળતા મેળવી છે. આ પરિણામોનું સૌથી મહત્વનું પાસું એ છે કે, એકનાથ શિંદેની શિવસેનાએ ઉદ્ધવ ઠાકરે જૂથ શિવસેના યુબીટી કરતા પાંચ ગણી વધુ બેઠકો જીતી છે. નવાઈની વાત એ છે કે, વિપક્ષી ગઠબંધન મહાવિકાસ અઘાડીના ત્રણેય પક્ષો – કોંગ્રેસ, શિવસેના યુબીટી અને શરદ પવારની પાર્ટીની સંયુક્ત બેઠકોની સામે શિંદે સેના એકલા હાથે ટક્કર આપી રહી છે. આ દમદાર દેખાવથી સાબિત થયું છે કે, શિવસેનાનો પાયો અને કેડર હજુ પણ મજબૂતીથી શિંદેની સાથે છે. આગામી મુંબઈ મહાનગરપાલિકા (ઇખઈ)ની ચૂંટણી માટે આ પરિણામો એક મોટા ‘ટ્રેલર’ સમાન માનવામાં આવે છે.
