કોટડાસાંગાણી-રાજકોટ મુખ્ય માર્ગ પર ગત રાત્રિના સુમારે લૂંટની ગંભીર ઘટના બની હતી. સોળીયા અને નારણકા ચોકડી વચ્ચે આવેલા મેલડી માતાના મંદિર નજીક ચાર અજાણ્યા શખ્સોએ એક યુવકને રોકી તેની આંખોમાં મરચાની ભૂકી નાખી, માર મારી મોટરસાયકલ, મોબાઈલ અને રોકડ સહિત કુલ ₹42,700ની લૂંટ ચલાવી હતી. આ ઘટનામાં રાજકોટ ગ્રામ્ય એલસીબી અને કોટડાસાંગાણી પોલીસે સીસીટીવી ફુટેજના આધારે ચાર શખ્સોને ઝડપી લીધા હતાં.
પ્રાપ્ત માહિતી અનુસાર, રામપરા ગામના રહેવાસી રણજીત બાબરીયા રાજકોટ ખાતેના કારખાનામાંથી કામ પતાવી મોટરસાયકલ પર કોટડાસાંગાણી તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન ચાર અજાણ્યા, હિન્દી ભાષી યુવકો બાઈક પર આવ્યા અને તેમને ઓવરટેક કરી આગળ આડું બાઈક ઊભું રાખી દીધું હતું.
આરોપીઓએ યુવકની આંખોમાં મરચાની ભૂકી નાખી દીધી હતી અને તેને મોટરસાયકલ સહિત રસ્તા પર પછાડી દીધો હતો. ત્યારબાદ ઢીકા-પાટુનો માર મારી ઈજા પહોંચાડી હતી. હુમલા બાદ આરોપીઓ રણજીત પાસેથી તેની મોટરસાયકલ (GJ03KE7711), મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ ₹42,700ની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. લૂંટાયેલા મુદ્દામાલમાં ₹12,700 રોકડ અને આશરે ₹30,000ની કિંમતનો મોબાઈલ તથા મોટરસાયકલનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતાં કોટડાસાંગાણી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ભોગ બનનાર યુવકની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા આજુબાજુના વિસ્તારોમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવામાં આવતાં આ ગુનામાં સંડોવાયેલા રીબડાના ત્રણ પરપ્રાંતિય શખ્સો અને જૂનાગઢના શખ્સની ઓળખ થતાં ચારેયને ઝડપી લેવામાં આવ્યા છે.
આ માર્ગ પર દિવસ-રાત વાહનોની ભારે અવરજવર રહેતી હોવા છતાં આવી લૂંટની ઘટના બનતા આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ ફેલાયો છે. સ્થાનિક લોકોએ રાત્રીના સમયે પેટ્રોલિંગ વધારવા અને માર્ગ પર સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાની માંગ કરી છે. કોટડાસાંગાણી પોલીસ દ્વારા આરોપીઓની ઓળખ કરી તેમને ઝડપથી ઝડપી લેવા કાર્યવાહી તેજ કરવામાં આવી છે.
