પાંચ વર્ષ પુર્વે ભાવનગર જીલ્લાના મહુવાના ગાંધીબાગ પાસે દિવાળીના સમય દરમ્યાન ફટાકડાની લારી ધરાવતા ગોપાલ નામના યુવક ની હત્યા થઈ હતી. આ અંગેનો કેસ મહુવા કોર્ટમાં ચાલતા અદાલતે મુખ્ય ચાર આરોપી સામે હત્યા સહિતનો ગુનો સાબીત માની ચારેય આરોપીઓને આજીવન કેદની સજા અને રોકડા રૂૂા. 50 હજારનો દંડ ફટકાર્યો હતો. જ્યારે અન્ય બે આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવા અદાલતે હુકમ કર્યો હતો.આ બનાવની જાણવા મળેલ વિગતો મુજબ ગત તા. 14/11/2020 ના રોજ રાત્રીના 10 કલાકના સુમારે આ કામના ફરીયાદી દિપકભાઇ ઉર્ફે કાળુભાઈ બાબુભાઈ બારૈયાએ તેના કુટુંબી મામા અને આ કામના મરણજનાર ગોપાલભાઈ દેવજીભાઈ કોડીયાની સાથે મળી મહુવા સરકારી દવાખાનાથી ગાંધીબાગ જવાના રસ્તે દિવાળીના તહેવારમાં ફટાકડાની લારી રાખી વેપાર ધંધો કરતા હતા.
ત્યારે આરોપી નં. 1 હરેશભાઈ ભરતભાઈ ભાલીયા છરી લઈ તથા આરોપી નં. 2 થી 4 લોખંડનો પાઇપ લઈ ત્યા આવી ફરીયાદી તથા મરણજનાર ગોપાલભાઈને ગાળો આપી ઝપાઝપી કરવા લાગેલ ત્યારે આરોપી નં. 2 નાઓએ ફરીયાદીને માથાના ભાગે લોખંડનો પાઇપ મારી દીધેલ જેથી આ કામના મરણજનાર ગોપાલભાઈ ફરીયાદીને બચાવવા વચ્ચે જતા આરોપી નં. 2 થી 4 નાઓએ લોખંડના પાઈપ આડેધડ મારવા લાગેલ અને આરોપી નં. 6 પાટા મારવા લાગેલ જેથી મરણજનાર ગોપાલભાઈ નીચે પડી ગયેલ ત્યારે આરોપી નં. 2 થી 4 તથા 6 એ ગોપાલભાઈને ઉભા કરી પકડી રાખો તે વખતે એક ઘા છાતીના ભાગે મારી દીધેલ ત્યારે ગોપાલભાઈએ છોડાવવા પ્રયત્ન કરેલ પરંતુ આરોપી રસીકભાઈ ભરતભાઈ ભાલીયા, નયનભાઈ અશોકભાઈ ડાભી તથા કૌશીકભાઈ જયસુખભાઈ ઉર્ફે જસુભાઈ પરમાર તથા વિપુલભાઇ ઉર્ફે કાળુ બાબુભાઈ બારૈયા એ મારીને પકડી રાખેલ અને આરોપીએ બીજો છરીનો ઘા ગોપાલભાઇના પડખામાં મારી દીધેલ તે વખતે અન્ય છરીના ઉપરા ઉપરી બે ઘા ડાબા હાથ ઉપર મારી ગંભીર ઇજા કરી મોત નિપજાવ્યુ હતુ.
અને આ મારી મારીનો બનાવ હત્યામાં પરીણમ્યો હતો.આ બનાવ અંગે ફરીયાદી દિપકભાઈ ઉર્ફે કાળુભાઈ બાબુભાઈ બારૈયા એ મહુવા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ (1) હરેશભાઈ ભરતભાઈ ભાલીયા, ઉ.વ.20, રહે. જનતા પ્લોટ, મહુવા, (2) રસીકભાઈ ભરતભાઈ ભાલીયા, ઉ.વ. 21, રહે. જનતા પ્લોટ, મહુવા, (3) નયનભાઈ અશોકભાઈ ડાભી, ઉ.વ.19, રહે. રહે. જનતા પ્લોટ, આંગણવાડી વાળો ચોક, મહુવા, (4) કૌશીકભાઈ જયસુખભાઇ ઉર્ફે જસુભાઈ પરમાર, ઉ.વ.20, ઠે. કુંભારવાડો, મહુવા, (5) યાજ્ઞિકભાઈ નવીનભાઈ પરમાર, ઉ.વ.22, રહે. તુલસી ફલેટ, મહુવા, (6) વિપુલભાઈ ઉર્ફે કાળુ બાબુભાઈ બારૈયા ઉ.વ.20, રહે. કુંભારવાડો, મહુવા સહિતનાઓ સામે ગુનો નોંધ્યો હતો.
આ અંગેનો કેસ મહુવાના બીજા એડીશ્નલ સેશન્સ જજ અતુલકુમાર એસ. પાટીલની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકિલ કમલેશ કેસરીની અસરકારક દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓ વિગેરે ધ્યાને રાખી આ કામના (1) હરેશભાઈ ભરતભાઈ ભાલીયા (2) રસીકભાઈ ભરતભાઈ ભાલીયા (3) નયનભાઈ અશોકભાઈ ડાભી (4) કૌશીકભાઈ જયસુખભાઈ ઉર્ફે જસુભાઈ પરમારનાઓને ભારતીય દંડ સંહિતાની કલમ 30ર ના ગુના મુજબ તકસીરવાન ઠેરવી ચારેય આરોપીઓને આજીવન કેદની સજા અને રોકડા રૂૂા. 50, હજારનો દંડ અદાલતે ફટકાર્યો હતો. તેમજ અન્ય બે આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવા અદાલતે હુકમ કર્યો હતો. તેમજ સી.આર.પી.સી.ની કલમ 357 (1) અન્વયે આરોપીઓએ ભરેલ દંડની રકમ વળતર પેટે મરણજનારના વારસોને ચુકવી આપવાનો અદાલતે હુકમ કર્યો હતો.
