વર્ષ 2025ના અંતિમ દિવસ એટલે કે ’થર્ટી ફર્સ્ટ’ની રાત્રે પોલીસ દ્વારા સઘન ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. નવા વર્ષની ઉજવણીના નામે કોઈ પણ અસમાજિક તત્વો શાંતિ ભંગ ન કરે અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જૂનાગઢ પોલીસ દ્વારા સમગ્ર જિલ્લામાં અલગ અલગ જગ્યાઓ પર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું ,જેમાં ખુદ એસપી અને ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ મધ્યરાત્રિ સુધી રસ્તા પર ઉતરીને સુરક્ષા વ્યવસ્થાનું મોનિટરિંગ કરતા નજરે પડ્યા હતા.
જૂનાગઢ પોલીસ અધિક્ષકના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ,પીએસઆઈ અને વિશાળ પોલીસ કાફલો રાત્રિના સમયે મેદાનમાં ઉતરી આવ્યો હતો. ખાસ કરીને સાસણ-ગીર જેવા પ્રવાસન ક્ષેત્રોમાં સહેલાણીઓનો ભારે ધસારો હોવાથી ત્યાં એએસપી, મેંદરડા પીઆઈ તેમજ એલસીબી અને એસઓજીની ટીમોએ સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સાસણ વિસ્તારમાં ચેકિંગ દરમિયાન પ્રવાસીઓની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી હતી.
આ વર્ષે જૂનાગઢ પોલીસ વધુ આધુનિક જોવા મળી હતી. ભીડભાડવાળા વિસ્તારો અને ફાર્મ હાઉસની ગતિવિધિઓ પર નજર રાખવા માટે ડ્રોન સર્વેલન્સની મદદ લેવામાં આવી હતી. આ ઉપરાંત, દારૂૂ પીધેલા શખ્સોને ત્વરિત પકડવા માટે ’બેટન લાઈટ વિથ બ્રેથ એનેલાઇઝર’નો ઉપયોગ કરાયો હતો. આ મશીનની મદદથી શ્વાસની તપાસ કરીને આલ્કોહોલનું પ્રમાણ માપી શકાય છે, જેથી નશો કરનારા શખસો સ્થળ પર જ પકડાઈ ગયા હતા.
જૂનાગઢ શહેરના પ્રવેશદ્વાર સમાન વિસ્તારો તેમજ સોમનાથ હાઈવે, જૂનાગઢ બાયપાસ અને સાસણ રોડ પર પોલીસે નાકાબંધી કરી હતી. દરેક શંકાસ્પદ વાહનની તલાશી લેવામાં આવી રહી હતી. વાહનોની ડિક્કીઓ ખોલાવીને માલસામાન ચેક કરવામાં આવ્યો હતો જેથી દારૂૂ કે અન્ય નશીલા પદાર્થોની હેરફેર અટકાવી શકાય. જે વાહનોમાં ગેરકાયદે બ્લેક ફિલ્મ લગાવાયેલી હતી તેને સ્થળ પર જ દૂર કરી દંડાત્મક કાર્યવાહી કરાઈ હતી. વગર નંબર પ્લેટ અને લાયસન્સ વગરના વાહન ચાલકો વિરુદ્ધ પણ કડક હાથે કામ લેવામાં આવ્યું હતું.
