ખાંભા તાલુકાના નાની ધારી ગામે થયેલા ચકચારી હત્યા કેસમાં અમરેલી એલસીબીએ હત્યા બાદ ફરાર થયેલા ચાર આરોપીઓને ટેક્નિકલ સર્વેલન્સ અને ચોક્કસ બાતમીના આધારે ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી માટે ખાંભા પોલીસને સોંપ્યા છે.
ગત 15 જુલાઈ 2026ના રોજ જયરાજભાઈ ઉર્ફે લાલાભાઈ ગોદડભાઈ ધાખડા પોતાના મિત્ર શક્તિરાજભાઈ અમરૂૂભાઈ વાળા સાથે મોટરસાયકલ પર નાની ધારી તરફ જઈ રહ્યા હતા. દરમિયાન સ્વિફ્ટ કારમાં આવેલા હુમલાખોરોએ તેમની બાઈકને ટક્કર મારી બંનેને નીચે પાડી દીધા હતા.
ત્યારબાદ હુમલાખોરોએ તલવાર, કુહાડી અને લોખંડના પાઈપ જેવા ઘાતક હથિયારોથી જયરાજભાઈ પર હુમલો કર્યો હતો. ગંભીર ઇજાઓના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ખાંભા પોલીસ મથકે વિવિધ કલમો તેમજ જીપી એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો.
જે અન્વયે એલસીબીના પીઆઇ સી.પી. વાઘેલા અને તેમની ટીમે ટેક્નિકલ સર્વેલન્સ અને ચોક્કસ બાતમીના આધારે જાફરાબાદના કંથારિયા ગામના મયુર વલકુભાઈ વરૂૂ, ધારીના ડુંગરી ઇંગોરાળાના ચાપરાજ દિલુભાઈ વાળા, જાફરાબાદના બાલાની વાવ ગામનો સુરેશ મધુભાઈ વરૂૂ અને રાજુલાના ચૌત્રા ગામનો ઉમેશ કથુભાઈ વરૂૂ નામના ચાર શખ્સોને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
