નવરાત્રિ એટલે ગરબા, ગરબા એટલે પાર્ટનર અને પાર્ટનર ન મળે તો અનેક લોકો માટે ગરબાની મજા અધૂરી રહી જાય છે. જોકે, હવે પાર્ટનર ન મળવાની આ સમસ્યાનો પણ ‘બિઝનેસ આઈડિયા’ શોધી કાઢવામાં આવ્યો હોવાની સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂૂ થઈ છે. ગુજરાતના કૃષ્ણ મિષાઈ નામના ઇન્સ્ટાગ્રામ યુઝરે ‘ગરબા પાર્ટનર ભાડે લો’ નામથી એક પોસ્ટ શેર કરી છે, જેમાં ગરબા રમવા માટે પાર્ટનર ઉપલબ્ધ કરાવવાના ત્રણ પેકેજ દર્શાવવામાં આવ્યા છે.
પોસ્ટમાં સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમ એમ ત્રણ પેકેજ જાહેર કરવામાં આવ્યા છે. રૂૂ. 1,000ના સિલ્વર પેકેજમાં બે કલાક ગરબા રમવા ઉપરાંત એકસરખા કપડાં, ગરબાના બેઝિક સ્ટેપ્સની જાણકારી અને સેલ્ફીનો સમાવેશ કરાયો છે. જ્યારે રૂૂ. 1,500ના ગોલ્ડ પેકેજમાં ચાર કલાક ગરબા રમવાની સાથે બંનેની મુલાકાતની એક ‘કહાની’ તૈયાર કરવાની અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા માટે વીડિયો આપવાની વાત કરવામાં આવી છે.
સૌથી વધુ ચર્ચામાં રહેલું રૂૂ. 2,000નું પ્લેટિનમ પેકેજ છે. તેમાં આખો દિવસ ગરબા રમવાની સાથે કાર્યક્રમ બાદ દુપટ્ટો અને ઝુમકા ઠીક કરવામાં મદદ તથા ગ્રાહકને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવાની સુવિધા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પોસ્ટમાં માથા પર કિસ જેવી બાબતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
કૃષ્ણ મિષાઈએ પોસ્ટમાં રસ ધરાવતા લોકોને કોમેન્ટ મારફતે અરજી કરવા જણાવ્યું છે. પોસ્ટ સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા યુઝર્સે આ અનોખા આઈડિયા પર વિવિધ પ્રતિક્રિયાઓ આપી છે. કેટલાકે તેને નવી કમાણીનું સાધન ગણાવ્યું છે, તો કેટલાકે પોતાના માટે તેમજ મિત્રો માટે અરજી કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. કેટલાક યુઝર્સે આ સર્વિસ અંગે વધુ માહિતી પણ માંગી છે.
નવરાત્રિ દરમિયાન ગરબા નાઈટ, મેચિંગ ડ્રેસ, કપલ ફોટો અને સોશિયલ મીડિયા રીલ્સનો ક્રેઝ સતત વધી રહ્યો છે. એવા સમયે ‘ગરબા પાર્ટનર ભાડે લો’ નામની આ પોસ્ટે સોશિયલ મીડિયા પર લોકોનું ખાસ ધ્યાન ખેંચ્યું છે. જોકે, પોસ્ટમાં દર્શાવાયેલી ‘ગરબા પાર્ટનર’ સર્વિસ વાસ્તવમાં વ્યવસાયિક રીતે શરૂૂ કરવામાં આવી છે કે પછી માત્ર મજેદાર સોશિયલ મીડિયા પોસ્ટ છે, તેની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી.
