જામનગર જિલ્લા જેલમાં ગેરકાયદેસર રીતે મોબાઇલ ફોન રાખી તેનો ઉપયોગ કરી ગુનાહિત પ્રવૃત્તિ આચરતા ચાર આરોપીઓને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, જામનગર દ્વારા સફળ ટેક્નિકલ તપાસના આધારે ઝડપી પાડવામાં આવ્યા છે.
નાયબ પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ વિભાગના નિર્લિપ્ત રાય તથા જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની ના માર્ગદર્શન હેઠળ તેમજ જામનગર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જે.એન. ઝાલા ના સુપરવિઝનમાં જેલમાં ગેરકાયદેસર મોબાઇલ ફોનના ઉપયોગને અટકાવવા માટે વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જામનગર જિલ્લા જેલમાં જડતી દરમિયાન એક બિનવારસી મોબાઇલ ફોન મળી આવતા આ અંગે જામનગર સીટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 223, 316(2), 61(2) તેમજ પ્રિઝન એક્ટની કલમ 42, 43 અને 45(12) મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.
ગુનાની તપાસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આઈ.એ. ઘાસુરાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.કે. ઝાલા તથા તેમની ટીમે આધુનિક ટેક્નિકલ એનાલિસિસ અને ઇલેક્ટ્રોનિક પુરાવાના આધારે મોબાઇલ ફોનનો ઉપયોગ કરનાર આરોપીઓની ઓળખ કરી હતી. ત્યારબાદ જિલ્લા જેલમાંથી આરોપીઓનો કબ્જો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓ અંગે પણ વધુ તપાસ ચાલુ છે.
જે આરોપીઓ જાફરઅલી ઉમરભાઈ બુચડ (ઉંમર 30 વર્ષ), રહે. સચાણા ગામ, જામનગર., મોઈન ઉમરભાઈ સફીયા (ઉંમર 26 વર્ષ), રહે. ખાખીનગર, જામનગર, દિલીપ દિનેશભાઈ પરમાર (ઉંમર 25 વર્ષ), રહે. ઈન્દિરા કોલોની, જામનગર. અને ઈમ્તીયાજ રહેમતુલ્લા મુંદ્દાક (ઉંમર 35 વર્ષ), રહે. ધરારનગર-2, જામનગર. ની અટકાયત કરી લઈ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા જેલમાં ગેરકાયદેસર મોબાઇલ ફોનના ઉપયોગ અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે અને આવા ગુનાઓમાં સંડોવાયેલા તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
