ફ્લેટધારકોને અંધારામાં રાખી 17 ફ્લેટ ગીરવે મૂકી બારોબાર લોન લઈ લીધી

માંડવરાયજી ક્રેડિટ મંડળીની નોટિસ મળતા કૌભાંડ બહાર આવ્યું 2.50 કરોડની લોનમાંથી 50 લાખ ચૂકવવા મામલે બિલ્ડરે હાથ ઉંચા કરી દેતાં ફરિયાદ રાજકોટમાં મવડી રોડ પર…

માંડવરાયજી ક્રેડિટ મંડળીની નોટિસ મળતા કૌભાંડ બહાર આવ્યું

2.50 કરોડની લોનમાંથી 50 લાખ ચૂકવવા મામલે બિલ્ડરે હાથ ઉંચા કરી દેતાં ફરિયાદ

રાજકોટમાં મવડી રોડ પર બાપા સીતારામ ચોક પાસે આવેલ શીવાય ફ્લેટના 17 ફ્લેટ ગીરવે મૂકી બિલ્ડરે 2.50 કરોડની લોન લઈ ઠગાઈ આચરતાં તાલુકા પોલીસ મથકમાં છેતરપીંડીની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો.વધુ વિગતો મુજબ,રાજનગર ચોક પાસે રાધાનગર ગલાલ વિહાર સોસાયટી શેરી નં.2માં રહેતા હેતલબેન મોહનીશભાઈ ટીલાળા (ઉ.વ.40) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે બિલ્ડર વિરેન બાબુ સિંધવ (રહે.વંદના હેરીટેઝ, બ્લોક નંબર બી-402, પી.ડી. માલવીયા કોલેજ પાછળ ટ્રેન્ડસના શોરૂૂમ પાછળ ગોંડલ રોડ) ના નામ આપતાં માલવીયા નગર પોલીસે છેતરપીંડીની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ કોટડાસાંગાણીના મોટા માંડવા ગામે પ્રાથમીક શાળામાં છ વર્ષથી શિક્ષક તરીકે નોકરી કરે છે.

તેઓ એ મવડી રોડ પર બાપા સીતારામ ચોક રિયલ પ્રાઈમ પાસે સિવાય ફ્લેટમાં બિલ્ડર વિરેન સિંધવ પાસેથી ફ્લેટ ખરીદ કરેલ હતો.આ શિવાય ફ્લેટમાં કુલ 32 ફ્લેટ આવેલા છે જેમાં ફરીયાદીના ફ્લેટ નંબર-503 છે. તેઓએ આ ફ્લેટ બેંક લોનથી ખરીદ કરેલ હતો.આ ફ્લેટ દિયર કિશનભાઈ ટીલાળાને રહેવા માટે આપેલ હતો. તા.26/05/2020 ના બિલ્ડર વિરેન સિંધવએ વેચાણ દસ્તાવેજ કરી આપેલ હતો.ગત તા.12/05/2025 ના તેઓ ઘરે હાજર હતી.

ત્યારે દિયર કિશનભાઈનો ફોન આવેલ કે,રજીસ્ટર એડી મારફત તમારા ઘરે એક ટપાલ આવેલ છે જેમાં શુકલા એન્ડ શુકલા એડવોકેટની તમારા નામની નોટીસ છે જે, નોટીસ માંડવરાયજી ક્રેડીટ કો. ઓપરેટીવ સોસાયટીએ મોકલેલ છે અને આ નોટીસમાં કેવીનભાઇ જીતેન્દ્રભાઈ પંડ્યાએ સભ્ય દરજજે વીરેન સિંધવએ તેમની માલીકીની સ્થાવર મિલ્કત રૂૂ.50 લાખ તા.22/04/2019 ના 15 ટકા ના દરે તેમના ધંધાના વિકાસ માટે કેસ ક્રેડીટ ઘીરાણ લીધેલ છે. આ ધિરાણમાં ભાજુભાઈ સિંધવ તથા હેમલભાઈ સોમૈયા ધિરાણની રકમ ભરપાઈ કરી આપવાની સંપુર્ણ જવાબદારી સ્વીકારી જામીન થયેલ છે.

કુલ 17 ફલેટો ધીરાણમાં જામીનગીરીમાં વીરેન સિંધવ દ્વારા સોસાયટી જોગ ઇક્વીટેબલ મોરગેજ કરી આપેલ છે અને માંડવરાયજી ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીએ વીરેન સિંધવ તથા જામીનદારો પાસેથી ઇક્વીટેબલ મોર્ગેઝ કરી આપેલ ફ્લેટો મિલ્કત વસુલ મેળવવા માટે રાજકોટની લવાદ કોર્ટમાં 15 ટકા વ્યાજ તથા 2 ટકા વધારાના વ્યાજ સહિતની રકમ વસુલ મેળવવા માટે દાવો કરવામાં આવેલ છે.દાવા કામમાં બોર્ડ ઓફ નોમીનીઝ દ્વારા દાવા મુજબની દાદ મંજુર કરી સ્થાવર મિલ્કતથી લેણુ વસુલ કરી શકીએ તેવુ હુકમનામું તા.13/03/2024 ના રોજ કરેલ છે.

હુકમ બાદ જીલ્લા રજીસ્ટ્રાર વસુલાત કરવા માટેનુ જરૂૂરી પ્રમાણપત્ર મેળવી રાજકોટના સીવીલ કોર્ટમાં લેણી રકમ વ્યાજ સહીત રૂૂ.66,35,237 તથા તે રકમ ઉપર તા.01/09/2024 થી વસુલ થતા સુધીના 15+2 ટકા લેખે શરતો મુજબના ચડતા વ્યાજ તથા ઇક્વીટેબલ મોરગેજ કરી આપેલ મિલ્કતોથી તથા દાવાના ખર્ચ સહિતની રકમ વસુલ થાય તેવી દરખાસ્ત કરેલ છે.તેમજ નોટીસ મળ્યેથી દિવસ 15માં દરખાસ્ત મુજબની વ્યાજ સહીતની રકમો ભરપાઈ કરવા તમે જેની પાસેથી ફલેટ ખરીદ કરેલ છે તેને રકમો ભરપાઈ કરવા તમને જાણ કરવામાં આવે છે. જેમ કરવામાં કસુર થયેથી શિવાય ફ્લેટ્સ એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર-503થી વસુલાતની તેમજ કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પાડશે તેવુ નોટીસમાં લખેલ છે.

આ મામલે ફ્લેટ ધારકોએ બિલ્ડર વીરેનભાઈને કોલ કરતા તેમણે પૈસા ચૂકવવા માટે હાથ ઊંચા કરી દીધા હતા.આ બનાવ અંગેની ફરીયાદ પરથી તાલુકા પોલીસે ગુનો નોંધી પીએસઆઇ એમ.આઈ.શેખ અને ટીમે તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *