જામનગર જિલ્લામાં માછીમારો માટે મહત્વપૂર્ણ સમાચાર છે. મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરીએ માછીમારી બોટોને ટોકન સાથે દરિયામાં જવાની મંજૂરી આપી છે. આ પહેલા તમામ બોટોને પરત બોલાવવામાં આવી હતી અને ટોકન આપવાનું બંધ કરવામાં આવ્યું હતું.
નવી ગાઈડલાઈન્સ મુજબ, માછીમારો માટે કેટલાક નિયમો ફરજિયાત છે. બોટો સંવેદનશીલ નો ફિશિંગ ઝોન અને IMBLથી 40 નોટિકલ માઈલ સુધીના વિસ્તારમાં માછીમારી નહીં કરી શકે. દરેક બોટે નિયમ મુજબ કલર કોડ કરવાનો રહેશે.
માછીમારોએ બોટના તમામ જરૂૂરી દસ્તાવેજો જેવા કે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, લાયસન્સ અને ખલાસીઓના આધારકાર્ડ સાથે રાખવા પડશે. સલામતી માટે બોટોએ સમૂહમાં માછીમારી કરવાની રહેશે અને સંદેશાવ્યવહારના સાધનો ચાલુ રાખવા પડશે.
કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દેખાય તો તેની જાણ તુરંત ઈન્ડિયન નેવી, પોલીસ સ્ટેશન, કોસ્ટગાર્ડ કે અન્ય સુરક્ષા એજન્સીને કરવાની રહેશે. ફિશરીઝ ગાર્ડ અને સુરક્ષા એજન્સીઓ બોટોની નિયમિત ચકાસણી કરશે. મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકે માછીમારોને આ તમામ સૂચનાઓનું પાલન કરવા જણાવ્યું છે.
