જામનગર જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામાં દિશા સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં કલેકટર કેતન ઠક્કર સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સાંસદે કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની સમીક્ષા કરી હતી. જામનગર મહાનગરપાલિકાની યોજનાઓમાં દીનદયાળ અંત્યોદય યોજના, પીએમ સ્ટ્રીટ વેન્ડર યોજના, આવાસ યોજના અને સ્વચ્છ ભારત મિશનનો સમાવેશ થાય છે. આરોગ્ય વિભાગની માતૃવંદના યોજના, નમો યોજના અને આયુષ્માન ભારત યોજનાની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
શિક્ષણ ક્ષેત્રે ગુણોત્સવ ગ્રેડ, સ્માર્ટ સ્કૂલ પ્રોજેક્ટ અને પીએમ પોષણ યોજનાની પ્રગતિની ચર્ચા થઈ હતી. નેશનલ હાઈવે, રેલવે વિભાગ, ગ્રામ સડક યોજના અને દિવ્યાંગ પેન્શન યોજના સહિતની અન્ય યોજનાઓની કામગીરીનું નિરીક્ષણ કરાયું હતું. ઉનાળાને ધ્યાનમાં રાખીને સાંસદે નિયમિત પાણી વિતરણ અને પ્રી-મોન્સુન કામગીરી પર ભાર મૂક્યો. તેમણે જન પ્રતિનિધિઓની રજૂઆતોનું યોગ્ય નિરાકરણ લાવવા અને જિલ્લાના વિકાસ કાર્યોને વેગ આપવા સૂચના આપી. અધિકારીઓને લોક સુવિધાઓ વધારવા આયોજનબદ્ધ કામગીરી કરવા જણાવ્યું હતું.
