જામનગર નજીક બેડીના દરિયામાં એક માછીમાર યુવાન દરિયામાં પ્રતિબંધિત હોય તેવી માછીમારી ની જાળી નો ઉપયોગ કરીને ગેરકાયદે માછીમારી કરતાં પકડાયો હોવાથી તેની સામે જામનગરના બેડી મરીન પોલીસ સ્ટેશનમાં ગુજરાત ફીશરીઝ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. અને ગુજરાત ફીશરીઝ એક્ટની કલમ 21(1)(ચ) મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ તા. 04/04/2026ના રોજ સાંજે બેડી મરીન પોલીસ સ્ટાફ દ્વારા થાણાથી પશ્ચિમે આશરે 2 કિ.મી. દૂર જુના બંદર જેટી સામેના કાંઠે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન હનીફ ઈબ્રાહીમભાઈ સંઘાર (ઉ.વ. 35), રહે. સલાયા ગામ, તા. જામ ખંભાળીયા, જી. દેવભૂમિ દ્વારકા, પોતાના કબ્જાની બોટમાં પ્રતિબંધિત માછીમારી સાધનો સાથે ઝડપાયા હતા.
તપાસ દરમિયાન માલુમ પડ્યું હતું કે આરોપી દ્વારા 40 એમ.એમ.થી નાની સાઈઝની ડિસ્કો ગુંજો નામની જાળ નો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો, જે નિયમ મુજબ પ્રતિબંધિત છે. આ અંગે નિયમની જાણ હોવા છતાં તેનો ભંગ કરવામાં આવતા ગુનો નોંધાયો હતો.
પોલીસ દ્વારા આરોપીને બી.એન.એસ.એસ. કલમ 35(3) મુજબ નોટીસ આપી મુક્ત કરવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
ધ્રોલમાં પ્રૌઢ મહિલાનો બીમારીથી કંટાળી જઈ આપઘાત
જામનગર જિલ્લાના ધ્રોલમાં વાણંદ શેરીમાં રહેતા કુલસુમબેન કરીમભાઈ જાનવાણી નામના 52 વર્ષના પ્રૌઢ મહિલાએ ગઈકાલે પોતાના ઘેર એસીપી લેતાં સારવાર માટે સૌપ્રથમ ધ્રોળ અને ત્યારબાદ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જયાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતકના પુત્ર આસિબ કરીમભાઈ જાણવાણીએ પોલીસને જાણ કરતા ધ્રોલ પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક મહિલા છેલ્લા બે વર્ષથી માનસિક બીમારી થી પીડાતા હતા, અને તેઓની દવા પણ ચાલતી હતી. જે બીમારીથી તંગ આવી જઇ આ પગલું ભરી લીધું હોવાનું પોલીસમાં જાહેર થયું છે.
