જામનગર પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉભા થયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, જામનગરના પૂર્વ કોર્પોરેટર અને આમ આદમી પાર્ટી ના સ્થાનિક નેતા અસલમ ખીલજીના ભત્રીજા પર અજાણ્યા શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે.
મળતી પ્રાથમિક માહિતી મુજબ, અસલમ ખીલજીનો ભત્રીજો પોતાની ’થાર’ કાર લઈને જઈ રહ્યો હતો. તે દરમિયાન કોઈ અજાણ્યા હુમલાખોરોએ તેમની કારને નિશાન બનાવીને અચાનક જ ફાયરિંગ શરૂૂ કરી દીધું હતું. આ અણધાર્યા અને જીવલેણ હુમલાને કારણે થાર કારના કાચ ચકનાચૂર થઈ ગયા હતા. એકાએક થયેલા બંદૂકના ભડાકા અને તૂટતા કાચના કારણે ડ્રાઈવર ગભરાઈ ગયો હતો અને તેણે સ્ટેયરીંગ પરનો પોતાનો કાબૂ ગુમાવી દીધો હતો.
કાબૂ ગુમાવી દેતાં થાર કાર ધડાકાભેર રોડની નીચે ઉતરી ગઈ હતી અને અકસ્માત ગ્રસ્ત બની હતી. હુમલાખોરો ફાયરિંગ કર્યા બાદ તુરંત જ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ છે કે કેમ તે અંગે હજુ સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે.
આ સનસનીખેજ ઘટનાની જાણ પોલીસ કંટ્રોલ રૂૂમને થતાં જ પોલીસ પ્રશાસન તાત્કાલિક હરકતમાં આવી ગયું હતું. બનાવની ગંભીરતાને જોતાં લાલપુર ખાતે પોલીસ અધિકારી પ્રતિભા રાવ તેમજ સિક્કા પોલીસ સ્ટેશનના પીઆઇ, પીએસઆઇ અને સ્ટાફ સહિતની પોલીસની ટુકડી તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.પોલીસ કાફલાએ ઘટનાસ્થળે પહોંચીને ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.
