બાબરા નજીક ડીઝલ ભરેલા ટેન્કરમાં આગ, ડ્રાઇવર ભડથું

  બાબરા-અમરેલી માર્ગ પર ગઇકાલે વહેલી સવારે લુણકી ગામ નજીક ડીઝલ ભરેલું ટેન્કર કોઈ કારણોસર પલટી મારી જતાં ધકાડાભેર ભયાનક આગ લાગી હતી. થોડી જ…

 

બાબરા-અમરેલી માર્ગ પર ગઇકાલે વહેલી સવારે લુણકી ગામ નજીક ડીઝલ ભરેલું ટેન્કર કોઈ કારણોસર પલટી મારી જતાં ધકાડાભેર ભયાનક આગ લાગી હતી. થોડી જ મિનિટોમાં આખું ટેન્કર સળગી ઉઠતા, તેમાં ફસાઈ ગયેલો ડ્રાઈવર પણ આગની ઝપટમાં આવી જવાથી ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ થયું હતું. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક અગ્રણીઓ, પોલીસ અને નગરપાલિકાની ફાયર ટીમ સ્થળ પર દોડી આવી હતી અને ચાર કલાકની જહેમતનાં અંતે આગ બુઝાવી શકાઈ હતી.

બાબરા પોલીસના પ્રાથમિક રિપોર્ટના જણાવ્યા અનુસાર, ખંભાળીયા તાલુકાના દાંતા ગામે રહેતો ભાવેશ રવાભાઈ સરસિયા (ઉ.વ. 23) જામનગરમાં કોઈ ડીઝલના ટેન્કરમાં નોકરી કરતો હતો. ગત મોડી રાતે તે જામનગરથી ટેન્કરમાં ડીઝલ ભરીને અમરેલી ખાતે કોઈ સ્થળે ખાલી કરવા આવી રહ્યો હતો. આ સમયે બાબરા-અમરેલી માર્ગ પર લુણકી ગામ નજીક તેણે સ્ટેરીગ પરનો કાબુ ગુમાવતા ડીઝલ ભરેલું ટેન્કર રોડ નીચે ખાળીયામાં પલટી મારી ગયું હતું અને ધકાડો થવા સાથે આગ ભભૂરી ઉઠી હતી.

જે આગે જ્વલનશીલ ડીઝલના કારણે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂૂપ ધારણ કરી લીધું હતું. આ અકસ્માતમાં ડ્રાઈવર ભાવેશ સરસિયા ટેન્કરમાં જ દબાઈ જતાં બહાર નીકળી શક્યો નહોતો અને આગની ઝપટમાં આવીને ભડથું થઈ જતાં ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. ગઇકાલે વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ આ ઘટના બની હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસ તપાસમાં જણાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *