ફાયરની ટીમે દરવાજો તોડી માતા-પુત્રને બહાર કાઢી હોસ્પિટલે ખસેડયા પરંતુ જીવ ન બચ્યો
શહેરના પેલેસ રોડ પર આશાપુરા માતાજીના મંદિર પાસે આવેલ વર્ધમાનનગરમાં મોડી રાત્રીના એપાર્ટમેન્ટના ચોથા માળે આગ ભભૂકી ઉઠી હતી બનાવને પગલે વિસ્તારના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ફ્લેટમાંથી આગની જવાળાઓ ભભૂકી ઉઠતા લોકો ફફડી ઉઠ્યા હતા.આગની ઘટનામાં ફાયર બ્રીગેડ ટીમ ઘટના સ્થળે દોડી જઈ ફલેટના દરવાજા તોડી આગ બુજાવી રેસ્ક્યુ કરી માતા-પુત્રને બહાર કાઢ્યા હતા પરંતુ બંનેના જીવ બચી શક્યા ન હતા.બનાવની જાણ થતા ફાયર બ્રીગેડ ટીમે બે ફાયર ફાયટરો સાથે દોડી જઈ આગને કાબૂમાં લેવા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.બનાવને પગલે એ ડિવીઝન પોલીસે ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પેલેસ રોડ નજીક વર્ધમાનનગરમાં આવેલા મનમંદિર એપાર્ટમેન્ટમાં 4થા માળે રહેતા પ્રભાબેન ભગવાનજીભાઈ પુજારા (ઉ.વ. 95) તથા તેનો પુત્ર નરેશભાઈ ભગવાનજીભાઈ પુજારા ઉ.વ. 60) રાત્રીના તેના ફ્લેટમાં સુતા હતા તે દરમિયાન અચાનક ફ્લેટમાં આગ ભભૂકી ઉઠી હતી. બનાવને પગલે જાણ થતા ફાયર બ્રીગેડ સ્ટાફ બે ફાયર ફાયટરો સાથે ઘટના સ્થળે દોડી જઈ આગ બૂજાવી હતી. ફાયર બ્રીગેડ સ્ટાફે તપાસ કરતા ફ્લેટમાં તમામ ઘરવખરી બળીને ખાક થઈ ગઈ હોઈ તેમજ વૃધ્ધ માતા અને પુત્ર બેભાન હાલતમાં મળી આવતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જેનું સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યું હતુ.
બનાવની જાણ થતા જ એ ડિવિઝન પોલીસે હોસ્પિટલે દોડી જઈ તપાસ કરતા જ ફ્લેટમાં આગ ભભૂકી ઉઠતા ધૂમાડાના ગોટેગોટા ઉડતા રૂૂમમાં બંધ ગૂંગળાઈ જવાથી માતા-પુત્રના મોત થયાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે તેમજ માતા- પુત્રના મોતનું તેમજ આગનું સાચું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. પોલીસની અને ફાયર બ્રીગેડની વિશેષ તપાસમાં એસીમાં શોર્ટશર્કીટ થતા ધડાકા સાથે આગ ભભૂકી ઉઠી હતી જેને કારણે રૂૂમમાં સુતેલા વૃધ્ધ માતા-પુત્રના મોત થયા હોવાની શંકાના આધારે તપાસ હાથ ધરી છે.પોલીસે જણાવ્યું હતું કે,બંનેના મોત દાઝી ગયા કે ગૂંગળામણથી થયા તે હકીકત જાણવા પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સાચું કારણ બહાર આવશે.
નરેન્દ્રભાઈનો પરિવાર અને બાળકો પ્રસંગમાં ગયા હતા
મૃતક પ્રભાબેનને સંતાનમાં ચાર પુત્ર વસંતભાઈ, કાંતિભાઈ, અરુણભાઈ અને નરેન્દ્રભાઈ છે. જ્યારે પુત્ર નરેન્દ્રભાઈને સંતાનમાં એક પુત્ર અને એક દીકરી હોવાનું તેમજ દિકરીના લગ્ન થઈ ગયાનું જાણવા મળ્યું છે. નરેન્દ્રભાઈ બંગડી બજારમાં હેન્ડીગ્રાફ્ટની વસ્તુનો ધંધો કરતા હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું.બુધવારે રાત્રીના નરેન્દ્રભાઈનો પુત્ર તથા તેની પુત્રી, પત્ની અને બે બાળકો સહિતના પરિવારજનો પ્રસંગમાં બહાર ગયા હતા તે દરમિયાન આ બનાવ બન્યો હોવાનું બહાર આવ્યું છે.
