સિરામિક ઉદ્યોગના હબ ગણાતા થાનગઢમાં મોડી રાત્રે નવાગામ રોડ પર આવેલ ‘અંકિતા સિરામિક’ કારખાનાના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં લાખો રૂપિયાની કિંમતનો સેનેટરીવેરનો તૈયાર માલ બળીને ખાખ થઈ ગયો હતો.
આ દુર્ઘટનામાં ફરી એકવાર થાનગઢ નગરપાલિકાની પ્રી-મોન્સૂન અને ફાયર સેફ્ટીની તૈયારીઓની પોલ ખુલી ગઈ છે. નવાગામ રોડ પર સ્થિત અંકિતા સિરામિકના ગોડાઉનમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા.
જોકે, થાનગઢ નગરપાલિકાનું ફાયર ફાઈટર સમયસર કામ ન આવતા અંતે મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. પરિસ્થિતિ ગંભીર બનતા સુરેન્દ્રનગર, ચોટીલા અને છેક રાજકોટથી ફાયર ફાઈટરોની મદદ લેવી પડી હતી. આશરે 5 કલાકથી વધુ સમય સુધી પાણીનો મારો ચલાવ્યા બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો.
કોંગી આગેવાન મંગળુભાઇએ જણાવ્યું કે, થાનગઢ નગરપાલિકા ભ્રષ્ટાચાર માટે જાણીતી છે થાનગઢની અંદર આપેલા સરકારી સાધનો મોટાભાગના બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે થાનગઢની અંદર 300થી વધારે સિરામિક આવેલા છે 45 હજારની વસ્તી છે ગમે ત્યારે આગ લાગે ત્યારે સુરેન્દ્રનગર, રાજકોટ, ધાંગધ્રા, હળવદ, ચોટીલાથી ફાયર ફાઈટર મંગાવું પડે છે એ અમારા માટે શરમ જેવી વાત છે.
થાનગઢની અંદર છેલ્લા પાંચ માસની અંદર ત્રીજી આગ લાગી છે. પણ થાનગઢની અંદર તમામ ફાયર ફાઈટર કામ કરતા નથી મોટાભાગના બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. થાનગઢ નગરપાલિકાનું ફાયર ફાઈટર કામ ન આવતા અંતે રાજકોટ થી અને સુરેન્દ્રનગર થી આઈ એફ હેઠળ મંગાવું પડ્યું હતું. પાંચ કલાકથી પણ વધારે સમય આગ બુજાવવામાં લાગ્યો હતો.
