અમરેલી શહેરના ભરચક વિસ્તારમાં આવેલા જૂના માર્કેટિંગ યાર્ડમાં મોડી રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. જનરલ ગોડાઉનમાં લાગેલી આ આગમાં મોટા પ્રમાણમાં કાર્પેટ, બારદાન, કાથી અને પ્લાસ્ટિકનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં જ અમરેલી ફાયર વિભાગના ઓફિસર ગઢવી સહિતની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે કલાકો સુધી પાણીનો મારો ચલાવીને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. સદ્નસીબે ઘટના સમયે ગોડાઉનમાં કોઈ મજૂરો કે કર્મચારીઓ હાજર ન હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી. સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ લાગવાના કારણની તપાસ શરૂૂ કરી હતી. જોકે, હજુ સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. આ ઘટનામાં થયેલા નુકસાનનો આંકડો પણ હજુ સામે આવ્યો નથી. પોલીસ અને ફાયર વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.