વાહન પાર્કિંગ મામલે સમજાવવા જતા ધોકાથી હુમલો કર્યો, ફાયરિંગની અફવાથી અધિકારીઓ દોડ્યા
ગઈકાલે રેલનગર વિસ્તારમાં મારામારીના બનાવમાં ફાયરિંગની અફવાથી પોલીસમાં દોડધામ મચી ગઈ હતી.રાત્રે ડીસીપી, એસીપી સહિતના અધિકારીઓ, એસઓજી, ક્રાઈમ બ્રાંચની ટીમો દોડી ગઈ હતી.પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે હુમલો કરનાર પૈકી એક વ્યક્તિ પાસે લાયસન્સ વાળી બંદૂક હતી પરંતુ ફાયરિંગ કરવામાં આવ્યુ તે વાત માત્ર અફવા છે.
મળતી વિગત મુજબ,રતનપરમાં રહેતા સંજય અભયસિંગભાઈ રાઠોડ (ઉ.વ. 39)એ ફરિયાદમાં જણાવ્યું કે, હું વાહન લે-વેચનો ધંધો કરી મારું તથા મારા પરીવારનું ગુજરાન ચલાવું છું.ગઇ કાલ તા.07/11ના રોજ રાત્રીના આશરે સાડા દશેક વાગ્યે રેલનગર અમૃત રેસીડેન્સી – 3 ખાતે મારા ભાઈ પરેશભાઈના ઘરે મારા પત્ની મીરાબેન ગયેલ હતા. ત્યાં હું કાર લઇને તેડવા ગયેલ હતો. હું મારા ભાઇના ઘરે ગયેલ તે પહેલા મારે આજથી ત્રણ ચાર દિવસ પહેલા વાહન પાર્કીંગ બાબતે જીતુ ચાવડા તેના પિતા ગોવિંદભાઈ સાથે બોલાચાલી મન દુ:ખ થયેલ હતું.
તે બાબતે તેની ઓફીસે સમાધાન કરવા માટે ગયેલ હતો ત્યારે તેની ઓફીસની બહાર જ આ જીનુભાઈ ચાવડા બેજબોલનો ધોકો તેમજ તેના પિતા ગોવિંદભાઈ બેજબોલનો ધોકો લઇ તેમજ તેની સાથે હાજર ત્રણ અજાણ્યા માણસો પાસે બેજબોલનો ધોકો અને બે પાસે લાકડી હતી અને મેં જીતુને કાંઈ વાત કરું તે પહેલા જીતુએ કહેલ કે, તું કોણ છો તેમ કહી જીતુએ મને લાફો મારેલ અને પછી આ બધા એક સાથે મને ધોકા અને લાકડી વડે શરીરે આડેધડ માર મારવા લાગેલ હતા. જેથી હું જેમ તેમ કરીને ત્યાંથી ભાગેલ અને આ સાતેય જણા મારી પાછળ અપશબ્દો બોલતા અને ઉભો રહે તને જાનથી મારી નાખવો છે.
તેમ બોલતા હતા હું જેમ તેમ કરીને મારા ભાઈ પરેશભાઈના ઘરે ચાલ્યો ગયેલ અને આ લોકો ચાલ્યા ગયેલ હતા ત્યારબાદ આ બનાવ બાબતે મેં મારા ભાઇ પરેશભાઈ અને મારી પત્ની મીરા અને મારા ભત્રીજા જયદીપની પત્ની હેતલને વાત કરેલ હતી. અને મારા ભાઈ પરેશભાઈએ 108 માં ફોન કરતા 108 આવી જતા તેમાં મને બેસાડી મારી પત્ની મીરા તથા ભાઈ પરેશ મને સારવારમાં લાવેલ હતા.આ મારામારીમાં મને જમણા હાથના ખંભામાં તથા ડાબા હાથના ખંભામાં અને ડાબા પગના સાથળ પર અને શરીરના અન્ય ભાગોમાં મુંઢ ઇજા થયેલ છે. મારામારીમાં મારા બે મોબાઇલ ફોન તોડી નાખેલ છે.સંજય રાઠોડના નિવેદન પરથી પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. શિતલ જોરાએ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધયો હતો.
પોલીસ સૂત્રો અને ઈજાગ્રસ્તના પરિવારજનો પાસેથી મળેલી વિગત મુજબ,આરોપી ગોવિંદભાઇ અને તેનો પુત્ર જીતુ ફાયનાન્સર છે.રેલનગર વિસ્તારમાં તેમની ઓફિસ પણ છે. અગાઉ પાર્કિંગ બાબતે સમાધાન થયું હતું બાદમાં ફરી ઝઘડો થયો હતો.આ ઘટનાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે પણ આરોપીઓ ડીવીઆર લઇ જતા તે કબ્જે લેવા પોલીસે ટીમો બનાવી તપાસ હાથ ધરી છે.
પોલીસે આરોપીની ઓફિસમાં દરોડો પાડતા 2 દારૂની બોટલ મળી
રેલનગરમા ફાયરીંગની ઘટનાને પગલે પોલીસ દોડતી થઇ હતી અને બાદમા જાણવા મળ્યુ હતુ કે ફાયરીંગની ઘટના માત્ર અફવા છે . ત્યારબાદ પોલીસે ઘવાયેલા યુવાનની ફરીયાદ પરથી ફાયનાન્સર પિતા-પુત્ર વિરુધ્ધ ગુનો નોંધ્યો હતો . આ ઘટનામા પ્રનગર પોલીસ મથકનાં સ્ટાફે આરોપીને પકડવા માટે પોપટપરા સ્મશાનની આગળ અમૃત રેસીડેન્સી 3 મા આવેલી ગોવિંદ ઉગાભાઇ ચાવડાની ઓફીસમા દરોડા પાડતા ઓફીસમાથી બે દારુની બોટલ મળી આવી હતી . જેથી તેમની સાથે પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો.
