જુગારની બાજીના રુપિયા હાથમાંને એક વ્યક્તિને મોત મળ્યું છે. ભાવનગરના ઉખરલા ગામમાં મોડી રાત્રે ગંભીર ઘટના બની હતી. વાડી વિસ્તારમાં 11 લોકો જુગાર રમી રહ્યા હતા. આ દરમિયાન ભાગોની બૂમ પડતા જ દોડેલા ચારમાંથી ત્રણ લોકો કૂવામાં પડ્યા હતા અને તમામ ત્રણના મૃત્યુ થયા હતા. જ્યારે એક વ્યક્તિ કૂવા પાસે લટકી રહ્યો હોવાથી તેનો બચાવ થયો હતો. મૃતકમાં રાહુલ પોપટભાઈ ચૌહાણ, નિલેશ ડાભી બને અજીતસિંહ સિંધાનો સમાવેશ થાય છે. બનાવના પગલે મોટી સંખ્યામાં મૃતકના પરિવારજનો સર ટી હોસ્પિટલ પહોંચ્યા હતા. મૃતક અજીતસિંહના દીકરા કુલદીપસિંહે જણાવ્યું હતું કે, સવારે જુગાર રમવા ગયા હતાને પડી ગયા હતા. કોઈ માણસ એમનમ થોડી ભાગે. રેડ પડી હોય તો જ માણસ ભાગે ને.
મૃતક અજિતસિંહના ભાઈ જગદીશભાઈએ જણાવ્યું હતું કે, મારી બહેનનો સવારમાં મારામાં ફોન આવ્યો કે, ભાઈ હજુ આવ્યા નથી ઘરે તપાસ કર. એટલે મેં મારા કાકાને ત્યાં ઉખરલા ફોન કર્યો. ત્યાંથી જાણવા મળ્યું કે, જુગાર ચાલુ હતો અને પોલીસવાળા રેડ પાડવા આવ્યા છે, એમાં 3 લોકો અંદર ખાબક્યા છે. જો કે એમાં અજીતસિંહ છે કે નહીં, તમે જોઈ આવો. એટલે મારા કાકા ત્યાં જોવા ગયા તો પહેલા બે લોકોને કાઢવામાં આવ્યા હતા.
બાદમાં વધુ તપાસ કરી તો મારો ભાઈ પણ નીકળ્યો. એટલે ફોન આવ્યો મારા કાકાનો કે, હા, તમારો ભાઈ છે. જે બાદ એમને લઈ હોસ્પિટલ પહોંચ્યા હતા અને અમે પણ સીધા હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે અન્ય એક વ્યક્તિ લટકી રહ્યો’ને બહાર નીકળ્યો હતો. તમામ માહિતી એની પાસે હોય. એણે એવું કહ્યું હતું કે, પોલીસ વાળા આવ્યા હતા. કોઈ રેડ ન કરી હોવાના પોલીસના નિવેદન પર જગદીશભાઈ જવાબ આપ્યો કે, પોલીસે નથી કરી તો કોણે કરી. ત્યાં ચાર લોકો આવ્યા હતા તો કોણ એ તપાસ કરોને. પોલીસ કે છે, અમે નથી તો છે કોણ એ લોકો.
પીએસઆઇએ કહ્યું અમે રેડ પાડી નથી!
વરતેજ પોલીસ સ્ટેશનના ઙજઈંએ જણાવ્યું હતું કે, ઘોઘા તાલુકાના ઉખરલા ગામે રાત્રે વાડીમાં અમૂક માણસો ભેગા થયેલા હતા. સવારે ફોનથી માહિતી મળી હતી કે, એક વાડીમાં લાશ પડી છે. તાત્કાલિક પોલીસની ટીમ પહોંચી હતી. જ્યાંથી એક બાદ એક ત્રણ લાશ મળી આવી હતી. તમામ મૃતદેહને હોસ્પિટલ ખસેડી પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું છે. જુગાર રમતા સમયે રેડ કરી હોવાના પરિવારના આક્ષેપ પર જવાબ આપ્યો હતો કે, ના એવું કંઈ ધ્યાનમાં નથી આવ્યું કે પોલીસે રેડ કરી હોય. કોઈ ગયું જ નથી અને શું માટે ભેગા થયા હતા તે હાલ તપાસનો વિષય છે. આ દુર્ઘટના બાદ મૃતકોના પરિવારજનો અને પોલીસના નિવેદનો વચ્ચે વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. મૃતક અજીતસિંહના પુત્રના જણાવ્યા અનુસાર, પોલીસની રેડ પડી હોવાથી જ લોકો ભાગ્યા હતા, કારણ કે વિના કારણે કોઈ વ્યક્તિ આ રીતે ભાગે નહીં.
