ધોરાજીમાં દરગાહના ટ્રસ્ટના ખોટા દસ્તાવેજ બનાવી પુત્રને ટ્રસ્ટી બનાવવાનું પિતાનું કૌભાંડ

ધોરાજીના ચમાલીપા વિસ્તારમાં આવેલ કુતૂબશાહ પીર દરગાહ ટ્રસ્ટમાં ખોટા અને બનાવટી દસ્તાવેજોના આધારે ટ્રસ્ટી તરીકે પિતાએ પોતના પુત્રનું નામ દાખલ કરાવી છેતરપિંડી આચરવાનું એક ગંભીર…

ધોરાજીના ચમાલીપા વિસ્તારમાં આવેલ કુતૂબશાહ પીર દરગાહ ટ્રસ્ટમાં ખોટા અને બનાવટી દસ્તાવેજોના આધારે ટ્રસ્ટી તરીકે પિતાએ પોતના પુત્રનું નામ દાખલ કરાવી છેતરપિંડી આચરવાનું એક ગંભીર પ્રકરણ સામે આવ્યું છે. આ અંગે ટ્રસ્ટના ટ્રસ્ટી દ્વારા પોતાના જ સાથી ટ્રસ્ટી અને તેમના પુત્ર વિરુદ્ધ ગુનાહિત કાવતરું રચવા અને બનાવટી કાગળો ઊભા કરવાનો ગુનો નોંધાવવામાં આવતા ધાર્મિક અને સામાજિક વર્તુળોમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

મળતી વિગતો અનુસાર, ધોરાજીના ચમાલીપા, કુતૂબશાહ દરગાહ પાસે રહેતા અને ટ્રસ્ટી અશરફભાઇ અલીભાઇ પટ્ટણીએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે ફરજ બજાવતા આરોપી શબીરભાઇ હાજીઇસ્માઇલ ગોડીલ તથા તેમના પુત્ર સુરત અડાજણ ટ્વિન્સ હાઇટ્સ ફ્લેટ નંબર બી-302માં રહેતા શાહીદ શબીરભાઇ ગોડીલએ પોતાના અંગત સ્વાર્થ અને છેતરપિંડી કરવાના ઇરાદાથી આ આખું કાવતરું ઘડી કાઢવામાં આવ્યું હતું.

ફરિયાદમાં કરાયેલા ગંભીર આક્ષેપો મુજબ, પિતા-પુત્રએ એકબીજાની મદદગારી કરીને કુતુબશાહ પીર દરગાહ ટ્રસ્ટ, ધોરાજીના નામના ખોટા અને બનાવટી લેટરપેડ તેમજ રબ્બર સ્ટેમ્પ તૈયાર કરાવ્યા હતા. ત્યારબાદ, આ બનાવટી લેટરપેડ પર મુખ્ય ફરિયાદી અશરફભાઇ તેમજ ટ્રસ્ટના અન્ય સાહેદ ટ્રસ્ટીઓની ખોટી અને બનાવટી સહીઓ કરવામાં આવી હતી. આટલેથી ન અટકતા, આરોપી શબીરભાઇએ પોતાના પુત્ર શાહીદ ગોડીલનું નામ ટ્રસ્ટી તરીકે દાખલ કરાવવાના મલિન ઇરાદાથી આ ખોટા ઊભા કરેલા દસ્તાવેજોને વકફ બોર્ડ સમક્ષ ખરા તરીકે રજૂ કરી દીધા હતા.

આ રીતે આરોપી પિતા-પુત્રએ પોતાની સત્તાનો દુરુપયોગ કરી, ટ્રસ્ટ અને અન્ય ટ્રસ્ટીઓ સાથે કાવતરું રચી વિશ્વાસઘાત તથા છેતરપિંડી આચરી હતી. આ બનાવ અંગે અશરફભાઇ પટ્ટણીની ફરિયાદના આધારે પોલીસે બંને આરોપીઓ સામે ગુનાહિત કાવતરું રચવું, ખોટા દસ્તાવેજો બનાવવો અને વકફ બોર્ડ સમક્ષ તેનો ઉપયોગ કરી છેતરપિંડી આચરવા બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *