માતાની જુબાનીના આધારે કોર્ટે તકસીરવાન ઠેરવી આપ્યો મહત્ત્વનો ચૂકાદો
જસદણના કનેસરા ગામે પુત્રને પિતાએ લાકડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો. જે હત્યા કેસમાં માતાની જુબાનીના આધારે સગા પુત્રનુ ખુન કરનાર હત્યારા પિતાને કોર્ટે આજીવન કેદની સજા અને રૂૂ.25 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.
આ કેસની હકિકત મુજબ જસદણના કનેસરા ગામે રહેતા મહેશ કુકડીયા તા.09/03/2023 ના રોજ પોતાની વાડીએ પાણી વાળવા ગયો હતો. સવારે પરત ઘરે પાછો નહી આવતા માતા રેખાબેન કુકડીયા પોતાના દિકરાની તપાસ કરવા વાડીએ ગયા હતા. જ્યાં બ્લેન્કેટ ઓઢીને સુતેલા વ્યકિતનુ બ્લેન્કેટ ઉચુ કરીને જોતા મહેશ કુકડીયાના મોઢામાથી લોહી નિકળતુ હતુ અને કપાળના ભાગે ચીરો પડી ગયેલો હતો. લોહી લુહાણ હાલતમા મહેશ કુકડીયાની લાશ મળી આવી હતી. આ અંગે તા.10/03/2023 ના રોજ ફરિયાદી રેખાબેન બટુકભાઈ કુકડીયાએ ભાડલા પોલીસ સ્ટેશનમા નોંધાવેલી ફરીયાદમા પુત્ર મહેશ કુકડીયાની હત્યા તેણીના પતિ બટુકભાઈ ચનાભાઈ કુકડીયાએ કરી હોવાનુ જણાવ્યુ હતું. પોલીસે ફરીયાદના આધારે આરોપી બટુક કુકડીયાની ધરપકડ કરી તપાસ કરતા જાણવા મળેલ કે, આરોપીએ લાકડી વડે માથા ઉપર ઘા મારી પુત્ર મહેશભાઈની હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી. તપાસ દરમ્યાન આ લાકડી અને તે ઉપર લોહીના ડાઘ મળી આવેલા હતા.
જે કેસમાં આરોપી વિરુદ્ધ પૂરતો પુરાવો મળી આવતા તપાસ અધિકારી દ્વારા કોર્ટમાં ચાર સીટ દાખલ કરવામાં આવ્યું હતું અદાલતમાં ચાલવા ઉપર આવતા આરોપીએ બચાવ લીધેલ કે, આ ગુનામાં કોઈ નજરે જોનાર સાક્ષી નથી તેમજ આરોપીના કપડા ઉપર કોઈ લોહીના ડાઘ નથી તેથી મૃતકની હત્યા આરોપીએ કરેલ હોવાનુ માની શકાય નહી. જેની સામે સરકાર તરફે જિલ્લા સરકારી વકિલ એસ. કે. વોરાએ રજુઆત કરતા જણાવેલ હતુ કે, મૃતક મહેશભાઈ કુકડીયાનુ લોહી “એ” ગૃપનુ છે તેમજ આરોપી બટુકભાઈ કુકડિયાનુ લોહી પણ “એ” ગૃપનુ છે. તપાસ દરમ્યાન જે લાકડી મળી આવેલ હતી તે લાકડી ઉપર પણ “એ” ગૃપનુ લોહી છે. તપાસ દરમ્યાન આરોપી બટુક કુકડીયાએ શોધી આપેલ લાકડી ઉપર ’એ’ ગૃપનુ લોહી જણાઈ આવે છે, જે લોહીનુ ગૃપ મરણ જનાર મહેશ કુકડીયાનુ છે. હાલના આરોપી બટુક કુકડીયાએ જયારે “એ” ગૃપવાળા લોહીથી રગાયેલ લાકડી કાઢી આપેલ હોય ત્યારે તેટલા માત્રથી સાબિત થાય છે કે, આરોપી બટુક કુકડીયાએ જ આ લાકડી વડે પુત્રની હત્યા કરેલ છે.
ગુનામા આ લાકડીનો ઉપયોગ કરેલ ન હોય તો આરોપી બટુક કુકડીયાને લોહીના ’એ’ ગૃપવાળી આ લાકડી અગે કોઈ જ જાણ ન હોય. હાલના કેસમા જયારે ફરીયાદી રેખાબેને પોતાના પુત્રની હત્યા પોતાના પતિએ જ કરેલ હોવાનુ જણાવેલ હોય ત્યારે આરોપીએ કાઢી આપેલ લાકડી સચોટ પુરાવા તરીકે માન્ય છે. આરોપી બટુક કુકડીયા પોતે રખડતો ભટકતો રહી હમેશા દિકરાઓ પાસે પૈસાની માગણી કરી કુટુંબને Jasdanહેરાન પરેશાન કરતો અને તેથી આરોપી પોતાના દિકરાઓ સાથે હમેશા ઝઘડાઓ કરતો આવા જ કારણસર આરોપીએ પોતાના સગા પુત્રની હત્યા કરેલ છે. આ પ્રકારનો ખુદ પત્નિનો જ આક્ષેપ હોય ત્યારે આક્ષેપ ખોટો માનવાને કોઈ કારણ નથી. સરકાર તરફેની આ તમામ દલીલોના અતે અધિક સેશન્સ જજ આઈ. બી. પઠાણે પુત્રની હત્યા કરનાર આરોપી પિતા બટુક ચનાભાઈ કુકડીયા (ઉ.વ.55)ને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા અને રૂૂા.25 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે. આ કેસમા સરકાર તરફે જિલ્લા સરકારી વકિલ સજયભાઈ કે. વોરા રોકાયા હતા.
