સરધાર ઉમરાડી ગામની સીમમાં નજીકના આવેલી વાડીમાં પરપ્રાંતીય યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
તેની દિકરી દૂધ પીતી ન હોઇ જેથી ચિંતામાં આવીને આ પગલુ ભરી લીધાનું જણાવાયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર,ઉમરાડી ગામની સીમમાં આવેલી હકાભાઈ બકુતરાની વાડીમાં ખેત મજૂરી કામ કરતા શિવા રાજુભાઈ વાસકેલ (ઉ.વ.20) નામના યુવકે રાત્રીના સાડા આઠેક વાગ્યે હાજતે જવાનું કહીને ખેતરથી નજીકમાં જઇ કપાસમાં છાંટવાની મોનોકોટો નામની ઝેરી દવા પી લીધી હતી. એ પછી તે ઉલ્ટીઓ કરવા માંડતા પરિવારજનોએ તપાસ કરતાં તેના મોઢામાંથી દવાની ગંધ આવતી હોઇ તે દવા પી ગયાનું જણાતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો.
પરંતુ અહિ મોત નિપજતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂૂ, તોફિકભાઇ જુણાચે આજીડેમ પોલીસને જાણ કરી હતી.
આપઘાત કરનાર યુવક સાતેક મહિનાથી વાડીમાં પરિવાર સાથે રહી ખેત મજૂરી કામ કરતો હતો. સંતાનમાં લક્ષ્મી નામની દીકરી છે જે બે ત્રણ દિવસથી દૂધ પીતી નહોતી અને સતત રડતી હતી. તેણીને દવાખાને લઇ ગયા પછી પણ દૂધ પીવાનું ચાલુ ન કરતાં અને રડવાનું બંધ ન કરતાં તેની ચિંતામાં આ પગલુ ભરી લીધાનું પરિવારજનોએ કહ્યું હતું.