જામનગરમાં પિતા-બે પુત્રોની એક સાથે અર્થી ઉઠી

જામનગરના રામેશ્વરનગર વિસ્તારમાં રહેતા પ્રજાપતિ પરિવારના પિતા અને બે પુત્રનાં ગઇકાલે ગણેશવિસર્જન દરમિયાન મોત થયાં હતાં, જેમની આજે અંતિમયાત્રા નીકળી હતી. પિતા અને બે પુત્રની…

જામનગરના રામેશ્વરનગર વિસ્તારમાં રહેતા પ્રજાપતિ પરિવારના પિતા અને બે પુત્રનાં ગઇકાલે ગણેશવિસર્જન દરમિયાન મોત થયાં હતાં, જેમની આજે અંતિમયાત્રા નીકળી હતી. પિતા અને બે પુત્રની એકસાથે અર્થી ઊઠતાં સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અંતિમયાત્રા વેળાએ બાળકોના મૃતદેહને ભેટી હૈયાફાટ રુદન કરતી માતાને જોઇ હાજર સૌકોઈ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી.

જામનગરના રામેશ્વરનગર વિસ્તારમાં રહેતા 36 વર્ષીય પ્રિતેશ દિનેશભાઈ પ્રજાપતિ (રાવલ) પોતાના પરિવાર સાથે ગઇકાલે નાઘેડી પાસેના લહેર તળાવમાં ગણપતિવિસર્જન માટે ગયેલા ત્યારે પ્રિતેશભાઇ પોતાના 4 વર્ષીય પુત્ર અંશ અને 16 વર્ષીય સંજય સાથે ઊંડા ખાડામાં ડૂબી જતાં ત્રણેયનાં મોત થયાં હતાં.

ઘટનાની જાણ થતાં જ પંચકોશી બી પોલીસ સ્ટેશનના પીઆઇ રાઠોડ અને તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરબ્રિગેડની ટીમે તાત્કાલિક કામગીરી હાથ ધરી પિતા અને બંને બાળકના મૃતદેહોને તળાવમાંથી બહાર કાઢ્યા હતા. મૃતદેહોને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પોસ્ટમોર્ટમ બાદ ત્રણેય મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા હતા.

પિતા અને બે પુત્રની ગઇકાલે અંતિમયાત્રા નીકળતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. અંતિમ દર્શન વખતે મૃતક બાળકોની માતા ભાંગી પડી હતી અને પતિ-પુત્રોના મૃતદેહોને ભેટીને રડી પડ્યા હતા. આ કરુણ દૃશ્ય જોઈને ઉપસ્થિત લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી. એક જ પરિવારના ત્રણ સભ્યના અકાળ અવસાનથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *