લાઠીના માલવીયા પીપરીયામાં ગેલ માતાજીના મંદિરમાંથી અજાણ્યા પાંચ શખ્સોએ 13.86 લાખના આભૂષણની ચોરી કરી હતી. ગેલ માતાજીના મંદિરમાંથી ચોરી અંગે લાઠી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. લાઠીના માલવીયા પીપરીયામાં રહેતા હિંમતભાઈ બાબુભાઈ માલવીયા (ઉ.વ.51)એ અજાણ્યા પાંચ શખ્સો સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે 26મી જાન્યુઆરીની રાતે પાંચેય શખ્સોએ ગેલ માતાજીના મંદિર પ્રવેશ કર્યો હતો. અહીં મંદિરના ગર્ભગૃહના મેઈન દરવાજાનો અંદરનો લોક તોડી માતાજીની મૂર્તિ ઉપર ચડાવેલા ચાંદીના નાના-મોટા 4 છત્તર ની ચોરી કરી હતી.
આ ઉપરાંત સોનાના ચેઈન, ચાંદીના જાજંર, મુર્તિ આગળ રાખેલા ચાંદીના ગ્લાસ મળી કુલ રૂૂપિયા 13,86,000 ની મત્તાની અજાણ્યા પાંચ શખ્સોએ ચોરી કરી હતી. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં પણ કેદ થઈ હતી. અજાણ્યા શખ્સો સામે લાઠી પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાતા પીઆઈ એસ.એમ.સોની વધુ તપાસ ચલાવી રહ્યા છે.
