આટકોટમાં સરપંચની ચૂંટણીનો ખાર રાખી 3 સગાભાઇ ઉપર જીવલેણ હૂમલો

ગ્રામ પંચાયતના મહિલા સભ્યના પતિ સહિત પાંચ સામે હત્યાની કોશિષની પોલીસ ફરિયાદ જસદણના આટકોટમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ તરીકેનું ફોર્મ ભરનાર બે ભાજપના કાર્યકરો વચ્ચે…

ગ્રામ પંચાયતના મહિલા સભ્યના પતિ સહિત પાંચ સામે હત્યાની કોશિષની પોલીસ ફરિયાદ

જસદણના આટકોટમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ તરીકેનું ફોર્મ ભરનાર બે ભાજપના કાર્યકરો વચ્ચે ચાલતા વિવાદમાં ત્રણ સગા ભાઈઓ ઉપર ગ્રામ પંચાયતના મહિલા સભ્યના પિતા સહીતના શખ્સોએ જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કરતા બન્ને ભાઈઓને સારવાર માટે હોસ્પીટલે ખસેડાયા હતા.આ મામલે પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધી વધુ તપાસ શરૂૂ કરી છે.

મળતી વિગતો મુજબ આટકોટ કૈલાશનગરમાં રહેતા અને પંચરની દુકાન ચલાવતા જયેશભાઇ પ્રભુદાસભાઇ ધમલ (ઉવ.42)એ કરેલી ફરિયાદમાં આરોપી આટકોટમાં રહેતા જીતુભાઇ સોમાભાઇ દાફડા તથા તેના મોટાભાઇ જેસીંગભાઇ દાફડા તથા જેસીંગભાઇનો દિકરો મોહિત ઉર્ફે ભગો તથા જીતુભાઇનો દિકરો કાળિયો તથા એક અજાણ્યો માણસ જેને તે જોયે ઓળખતા હોય તેના નામ આપ્યા છે. જયેશભાઈ ભાજપના સક્રિય સભ્ય હોય અને છેલ્લા 15 વર્ષથી તે ગ્રામપંચાયતમાં ચુંટણીમાં જીત મેળવી હોય ગત ટર્મમાં જયેશભાઈએ જીતું સામે સરપંચ તરીકે ફોર્મ ભર્યું હોય તેનો ખાર રાખી ગઈકાલ તા.24/12/2025 ના સાંજના પોણા નવેક વાગ્યાના અરસામાં જયેશભાઈ તેની પંચરની દુકાને હતા ત્યારે દુકાને આવી જીતુભાઇ સોમાભાઇ દાફડા તથા તેના મોટાભાઇ જેસીંગભાઇ દાફડા તથા જેસીંગભાઇનો દિકરો મોહિત ઉર્ફે ભગો તથા જીતુભાઇનો દિકરો કાળિયો તથા એક અજાણ્યો શખ્સે ચુંટણી બાબતનો ખાર રાખી જીવલેણ હુમલો કર્યો હતો.

જયેશભાઈએ આ બાબતે તેના મોટાભાઇ વિજયભાઈને ફોન કરીને બોલાવતા વિજયભાઈ તથા ઉમેશભાઈ ત્યાં આવતા આ જેસીંગભાઇ એકદમ ઉશ્કેરાય જઇને ભાઇ વિજયભાઇને જેમફાવે તેમ ગાળો આપી જેસીંગભાઇએ તેના હાથમા રહેલ તલવાર વડે આજ તો આને મારી નાખવો છે તેમ કહિ ભાઇને મારી નાખવાના ઇરાદે માથાના ભાગે તલવારનો ઘા મારતા વિજયભાઈને માથાના ભાગે ઈજા થઇ હતી. તેમજ મોહિતે જયેશભાઈ ઉપર છરીનો ઘા મારવા જતા હાથ આડો રાખતા જમણા હાથમા ઇજા થયેલ હોય અને આ ટોળકીએ જયેશભાઈ તેમજ તેમના ભાઇ ઉમેશભાઇને માર મારતા ઉમેશભાઇને જમણા પગમા ઇજા થયેલ છે.

બનાવ વખતે આજુબાજુમા માણસો ભેગા થઇ જતા આ લોકો ત્યાંથી ભાગી ગયા હતા. ત્રણેય ભાઈને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે જસદણ સરકારી હોસ્પીટલે ખસેડાયા હતા. આ મામલે પોલીસે ગ્રામ પંચાયતના મહિલા સભ્યના પિતા સહીતના સામે હત્યાની કોશિશનો ગુનો નોંધી ધરપકડ માટે તપાસ શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *