વસઇ આસપાસના ચાર ગામના ખેડૂતોએ વાંધો ઉઠાવતા વૈકલ્પિક જગ્યાની શોધ, એક સ્થળે 250 એકર જગ્યા શોધવી મુશ્કેલ
યાત્રાધામ દ્વારકામાં પ્રસ્તાવિત વસઈ ગ્રીનફિલ્ડ એરપોર્ટના પ્રોજેક્ટને જમીન સંપાદનની અડચણનો સામનો કરવો પડી રહ્યો છે. વસઈ તથા આસપાસના ગામોના ખેડૂતો દ્વારા ફળદ્રુપ ખેતીની જમીન સંપાદિત કરવા સામે વિરોધ નોંધાવ્યા બાદ રાજ્ય સરકારે દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્રને એરપોર્ટ માટે વૈકલ્પિક સ્થળ શોધવા સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે. આ નિર્ણયથી એરપોર્ટ પ્રોજેક્ટમાં વધુ વિલંબ થવાની શક્યતા ઊભી થઈ છે.
વહીવટી તંત્ર દ્વારા અગાઉ દ્વારકા નજીક વસઈ ગામ આસપાસ એરપોર્ટ માટે આશરે 350 એકર જમીન ચિહ્નિત કરવામાં આવી હતી. નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા અગાઉ સૂચવવામાં આવેલી અન્ય ત્રણ જગ્યાઓને એરપોર્ટ માટે યોગ્ય ન ગણાતા વસઈ વિસ્તારની જમીન પસંદ કરવામાં આવી હતી. ચિહ્નિત જમીનમાંથી આશરે 45 ટકા સરકારી માલિકીની હોવાનું જ્યારે બાકીની જમીન ખાનગી માલિકો અને ખેડૂતો પાસેથી સંપાદિત કરવાની હોવાનું જણાવાયું હતું.
જમીન સંપાદનની કાર્યવાહી શરૂૂ થતાં વસઈ સહિત આસપાસના ચાર ગામોના ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ખેડૂતોનું કહેવું હતું કે એરપોર્ટ માટે પસંદ કરાયેલી જમીન ફળદ્રુપ ખેતીની છે અને તેનું સંપાદન થતાં તેમની આજીવિકાનું મુખ્ય સાધન છીનવાઈ શકે છે. ખેતીની જમીન ગુમાવવાથી ખેડૂતો ઉપરાંત માલધારીઓને પણ સ્થળાંતર કરવાની ફરજ પડી શકે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. ખેડૂતોએ એરપોર્ટ પ્રોજેક્ટનો વિરોધ કરવાને બદલે ફળદ્રુપ ખેતીની જમીનને બદલે બિનઉપજાઉ અથવા ઓછી ખેતીલાયક જમીન પસંદ કરવાની માગ કરી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ, ખેડૂતોના વિરોધ વચ્ચે રાજ્ય સરકારે હવે એરપોર્ટ માટે અન્ય સ્થળની શક્યતા તપાસવા જિલ્લા તંત્રને સૂચના આપી છે. જોકે એરપોર્ટ માટે આશરે 350 એકરનો સળંગ જમીનનો ટુકડો જરૂૂરી બનતો હોવાથી વૈકલ્પિક સ્થળ શોધવાનું કામ સરળ નહીં રહે. જમીનની ઉપલબ્ધતા ઉપરાંત એવિએશનની ટેકનિકલ જરૂૂરિયાતો, સલામતીના માપદંડો અને દ્વારકાધીશ મંદિરથી યોગ્ય અંતર સહિતના મુદ્દાઓ પણ ધ્યાનમાં લેવા પડશે.
જો વૈકલ્પિક સ્થળ યોગ્ય નહીં મળે તો અગાઉ ચિહ્નિત કરાયેલી જમીનના ખેડૂતો સાથે ફરીથી સંવાદ કરી જમીન સંપાદન માટે સહમતી મેળવવાના પ્રયાસો કરવામાં આવી શકે છે.
દ્વારકાને એરપોર્ટની જરૂરિયાત કેમ?
યાત્રાધામ દ્વારકામાં સામાન્ય દિવસોમાં પણ દરરોજ અંદાજે 30 થી 40 હજાર જેટલા યાત્રાળુઓ અને પ્રવાસીઓ આવતા હોવાનું જણાવાય છે. જન્માષ્ટમી, દિવાળી સહિતના તહેવારો અને વિશેષ પ્રસંગોએ આ સંખ્યા લાખોમાં પહોંચે છે. શિવરાજપુર બીચને બ્લુ ફ્લેગનો દરજ્જો મળ્યો છે, જ્યારે બેટ દ્વારકાને મુખ્ય ભૂમિ સાથે જોડતા સુદર્શન સેતુ બાદ પણ પ્રવાસન પ્રવૃત્તિમાં વધારો થયો છે. દ્વારકાથી નજીકના એરપોર્ટ તરીકે જામનગર અને પોરબંદર ઉપલબ્ધ છે, પરંતુ બંને શહેરો દ્વારકાથી નોંધપાત્ર અંતરે આવેલા છે. રેલવે મારફતે પણ અમદાવાદથી દ્વારકા પહોંચવામાં લાંબો સમય લાગે છે. અમદાવાદ-દ્વારકા વંદે ભારત કનેક્ટિવિટી શરૂૂ થયા બાદ પ્રવાસનને વેગ મળ્યો છે. આવા સંજોગોમાં દ્વારકામાં સીધી હવાઈ કનેક્ટિવિટી ઉપલબ્ધ થાય તો દેશ-વિદેશથી આવતા યાત્રાળુઓ અને પ્રવાસીઓ માટે મોટી સુવિધા ઊભી થઈ શકે છે. હવે વસઈની જમીન સામે ઊભી થયેલી અડચણ બાદ સરકાર વૈકલ્પિક જમીન શોધવામાં કેટલી સફળ થાય છે તેના પર સમગ્ર એરપોર્ટ પ્રોજેક્ટનું ભવિષ્ય નિર્ભર રહેશે.
