પશ્ચિમ બંગાળના બીરભૂમમાં મોટી દુર્ઘટના બની છે. શ્રાવણના પવિત્ર સોમવારને લઈને એકઠા થયેલા શ્રદ્ધાળુઓ માટે સવારનો સમય કાળ બનીને આવ્યો હતો. બીરભૂમ જિલ્લામાં આવેલા તારાપીઠ પોલીસ સ્ટેશન નજીક આવેલી એક ખાનગી હોટલમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં 7 લોકોના મોત થયાં જયારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયાં હતાં.
અહેવાલો અનુસાર આગ સવારે 4 વાગ્યાની આસપાસ લાગી હતી. પવિત્ર શ્રાવણ મહિનાનો સોમવાર હોવાથી તારાપીઠ મંદિરે ભગવાન શિવ અને મા તારાના દર્શન કરવા આવેલા યાત્રાળુઓ હોટેલમાં રોકાયા હતાં. ઘણા મહેમાનો સૂતા હતા ત્યારે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શંકા છે; જોકે, હજુ સુધી ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 2 ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ હતી અને કલાકોની જહમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સ્થળ પરથી મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી ચાલુ રાખવામાં આવી છે.
