રાજ્યમાં ખેડૂતોની સ્થિતિ હાલ “સૂડી વચ્ચે સોપારી” જેવી થઈ ગઈ છે. એક તરફ કમોસમી વરસાદનો માર અને બીજી તરફ પિયત સમયે જ વીજળીના ધાંધિયા. રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકના ખેડૂતોનો ધીરજનો બાંધ હવે તૂટી રહ્યો છે. ધોરાજીના ખેડૂત અગ્રણી જીતેશભાઈ વાઘસિયાએ વીજ કંપની (ૠઊઇ) અને સરકારની નીતિઓ સામે આકરા પ્રહારો કરતા ખેડૂતોની વર્તમાન દયનીય સ્થિતિનો ચિતાર રજૂ કર્યો છે.ખેડૂત નેતાએ સીધો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, સરકાર અને વીજ કંપનીઓ ઉદ્યોગો સાથે મિલીભગત ચલાવી રહી છે. કારખાનાઓ અને ઉદ્યોગોને 24 કલાક અવિરત વીજળી પૂરી પાડવામાં આવે છે, જ્યારે દેશનો અન્નદાતા પોતાનો પાક બચાવવા માટે 8 કલાક વીજળી માટે પણ વલખાં મારી રહ્યો છે. કલાકો સુધી ખેડૂતો વીજળીની રાહ જોતા બેસી રહે છે, છતાં પાવર આપવામાં આવતો નથી.
જ્યારે ત્રસ્ત ખેડૂતો જીઇબીની કચેરીમાં ફોન કરીને ફરિયાદ નોંધાવે છે, ત્યારે તેમને માત્ર ઉડાઉ અને ગોળ-ગોળ જવાબો જ સાંભળવા મળે છે. અધિકારીઓ દ્વારા ક્યારેક ’ટીસી ઉડી ગયું છે’, ક્યારેક ’ટેપિંગનો પ્રોબ્લેમ છે’ તો ક્યારેક ’લાઇનમાં ફોલ્ટ છે’ તેવા બહાના આગળ ધરી દેવામાં આવે છે.
માત્ર વીજળી જ નહીં, પરંતુ સરકાર દ્વારા અપાતા પોકળ વચનોથી પણ ખેડૂતોમાં ભારે નારાજગી છે. કૃષિમંત્રી અને સરકાર દ્વારા એવી જાહેરાતો કરવામાં આવી હતી કે 15 તારીખ પહેલા કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો સર્વે કરી લેવામાં આવશે. પરંતુ વાસ્તવિકતા એ છે કે આજ દિન સુધી ખેડૂતોને સહાયના નામે એક ફદિયું પણ મળ્યું નથી. વાવણીથી લઈને લણણી સુધી પ્રકૃતિનો સામનો કરતા ખેડૂતને હવે સિસ્ટમ સામે પણ લડવું પડી રહ્યું છે. પાક સુકાઈ રહ્યો છે, હવામાન વિભાગની વરસાદની નવી આગાહીઓ માથે તોળાઈ રહી છે અને વીજળી મળતી નથી. જીતેશભાઈએ સરકારને વેધક સવાલ કર્યો છે કે આવી પરિસ્થિતિમાં ખેડૂતો જાય તો જાય ક્યાં? જો સત્વરે ખેડૂતોને પૂરતી વીજળી અને યોગ્ય સહાય નહીં મળે તો આગામી દિવસોમાં ખેડૂતોનો આ અસંતોષ કોઈ મોટું સ્વરૂૂપ ધારણ કરે તેવી પૂરી શક્યતાઓ છે.
