કાલાવડના નપાણીયા ખીજડિયા ગામે ખેડૂતોનું સંમેલન, જેટકો સામે લડતનું એલાન

જેટકોના ટાવર અને વીજ લાઇનના યોગ્ય વળતર-ભાડાની માંગ સાથે ઉગ્ર આંદોલનની ચીમકી કાલાવડ તાલુકાના નપાણીયા ખીજડિયા ગામે જેટકો દ્વારા ખેતીની જમીનોમાંથી પસાર કરવામાં આવતી હાઈટેન્શન…

જેટકોના ટાવર અને વીજ લાઇનના યોગ્ય વળતર-ભાડાની માંગ સાથે ઉગ્ર આંદોલનની ચીમકી

કાલાવડ તાલુકાના નપાણીયા ખીજડિયા ગામે જેટકો દ્વારા ખેતીની જમીનોમાંથી પસાર કરવામાં આવતી હાઈટેન્શન વીજ લાઇન, ટાવર તેમજ તેના બદલામાં યોગ્ય વળતર અને જમીનના ઉપયોગ બદલ ભાડાની માંગને લઈને હજારોની બહોળી સંખ્યામાં ખેડૂતોનું વિશાળ સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં નપાણીયા ખીજડિયા, મૂરીલા, જાલાસણ, જામવાળી, સણોસરા, ખરેડી, મછલીવડ સહિતના અનેક ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

સંમેલનમાં ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જેટકો દ્વારા ખેતીની જમીનોમાં હાઈટેન્શન વીજ લાઇનના ટાવર ઊભા કરવામાં આવી રહ્યા છે તેમજ વીજ તાર પસાર કરવામાં આવી રહ્યા છે. જેના કારણે ખેતીની જમીનના ઉપયોગમાં અનેક પ્રકારની મર્યાદાઓ ઊભી થાય છે. ટાવર અને વીજ લાઇનના કારણે ખેતીના આધુનિક સાધનોના ઉપયોગમાં મુશ્કેલીઓ સર્જાય છે, જમીનની ઉત્પાદકતા પર અસર પડે છે તેમજ પાકને પણ નુકસાન થવાની શક્યતાઓ વધી જાય છે. આ પરિસ્થિતિમાં ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવું પડે છે.

ખેડૂતોએ જણાવ્યું હતું કે સરકારના નિયમો મુજબ અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર તેમજ જમીનના ઉપયોગ બદલ નિયમસર ભાડું મળવું જોઈએ. પરંતુ ઘણા ખેડૂતોને હજુ સુધી યોગ્ય લાભ મળ્યો નથી. તેથી સરકાર અને જેટકોના અધિકારીઓ તાત્કાલિક યોગ્ય નિર્ણય લઈને તમામ અસરગ્રસ્ત ખેડૂતોને કાયદા મુજબ વળતર અને ભાડું ચૂકવે તેવી માંગ કરવામાં આવી હતી. સંમેલનમાં ઉપસ્થિત ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતું કે ખેડૂતો હવે પોતાના હક્ક અને અધિકાર માટે સંગઠિત બન્યા છે. જો સરકાર અને સંબંધિત તંત્ર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી સમયમાં તાલુકાના તમામ ગામોના ખેડૂતોને સાથે રાખી વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જરૂૂર પડશે તો જિલ્લા કક્ષાએ તેમજ રાજ્ય સરકાર સમક્ષ પણ રજૂઆતો કરવામાં આવશે અને લોકશાહી ઢબે આંદોલનને વધુ વ્યાપક બનાવવામાં આવશે.

ખેડૂતોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ લડત કોઈ વ્યક્તિગત હિત માટે નહીં પરંતુ સમગ્ર ખેડૂત સમાજના હક્ક માટે છે. ખેતીની જમીન ખેડૂતોની જીવનરેખા છે અને તેના હક્કોનું રક્ષણ કરવું અત્યંત જરૂૂરી છે. તેથી તમામ ખેડૂતોને એકજૂટ રહી આ લડતમાં જોડાવા અપીલ કરવામાં આવી હતી.સંમેલન દરમિયાન આગામી કાર્યક્રમોની રૂૂપરેખા અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં વધુને વધુ ખેડૂતો સુધી આ મુદ્દો પહોંચે અને તેઓ પણ આ હક્કની લડતમાં જોડાય તે માટે આયોજન કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી હતી.

આ સંમેલનની વિશેષતા એ રહી કે મોરબી જિલ્લાના જેતપર ગામના ખેડૂત અગ્રણીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના વિસ્તારમાં ખેડૂતો દ્વારા ચલાવવામાં આવેલી લડતના અનુભવો શેર કરી કાલાવડ તાલુકાના ખેડૂતોને સંગઠિત રહી કાયદેસરની લડત લડવા પ્રેરણા આપી હતી. સમગ્ર સંમેલનમાં ખેડૂતોમાં એકતા અને પોતાના અધિકારો માટે સંઘર્ષ કરવાની ભાવના સ્પષ્ટપણે જોવા મળી હતી. આગામી દિવસોમાં સરકાર અને જેટકો દ્વારા ખેડૂતોની માંગણીઓ અંગે શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *