અગાઉ પાંચથી છ કિલો ગાંજો તેના કાકાને વેંચી દીધો હતો: પોલીસે તુવેર-ઘઉંના વાવતેર વચ્ચેથી ગાંજાના 1.11 કરોડના છોડ જપ્ત કર્યા
સરધારના અણીયારી ગામની સીમમાં આવેલી વાડીમાં આજીડેમ પોલીસે દરોડો પાડી 1 કરોડ 11 લાખથી વધુનું ગાંજાનું વાવેતર પકડી લીધું હતું. મુળ ચોટીલાના સાલખડા ગામના વતની હના સવાભાઈ ગાબુ (ઉ.વ.48) નામના ખેડૂતે પોતે દેણામાં ડૂબી ગયો હોવાથી ભાગીયામાં રાખેલા અણીયારીના ખેતરમાં બીજા પાકની વચ્ચે ગાંજો વાવવાનું અને વેંચવાનું ચાલુ કરી દીધાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.
વધુ વિગતો મુજબ, શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા ’સે નો ટુ ડ્રગ્સ’ મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા વિરૂૂધ્ધ કડક કાર્યવાહી કરવા અધિકારીઓએ સુચના આપી હોઈ આજીડેમ પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. સંજયરાજભાઈ બારોટ તથા કોન્સ. દેવાભાઈ ધરજીયાની સંયુકત બાતમી આધારે અણીયારા ગામની સીમમા ઢાંઢણી ગામ તરફ જતા કાચા રસ્તે નાથાભાઇ ભીમાભાઇ સીંધવની વાડીમાં દરોડો પાડી આ ખેતર વાવવા રાખનારા હના સવાભાઈ ગાબુ (કોળી ઉ.વ.48 ધંધો ખેતી રહે-અણીયારા ગામ તા.જી.રાજકોટ મુળ વતન સાલખડા ગામ તા. ચોટીલા જી. સુરેન્દ્રનગર)ને પોતાના કબ્જાની વાડીમાં ઘઉં-તુવેરના વાવેતર વચ્ચે ગાંજાનું વાવેતર કરતા ઝડપી લીધો હતો.
પોલીસ તુવેરના વાવેતરની વચ્ચે લીલા ગાંજાના છોડ નંગ-64 તથા સુકો તથા ભેજયુક્ત ગાંજાના ખુબ જ મોટા જથ્થા સાથે પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવી છે. ખેતરમાંથી નાના મોટા ગાંજાના છોડ 1,11,69,000ના કબ્જે કર્યા હતાં. ડીસીપી ઝોન-1 હેતલ પટેલે જણાવ્યું હતું કે ચોક્કસ બાતમી પરથી આજીડેમ પોલીસની ટીમે આ કામગીરી કરી હતી. પકડાયેલો ખેડૂત હના ગાબુ દેણાં આવી ગયો હોવાથી ખેતરમાં ગાંજાનું વાવતેર દોઢેક વર્ષથી ચાલુ કર્યું હતું. તેના કહેવા મુજબ તે ચોટીલા રહેતાં તેના કાકા પાસેથી બીયારણ લાવી ગાંજો વાવતો હતો. ગાંજો પાકે તે પણ તેના કાકાને આપતો હતો. અગાઉ પાંચ છ કિલો ગાંજો થોડા સમય પહેલા પાકી જતાં કાકાને વેંચી માર્યો હોવાનું તે રટણ કરે છે.
જો કે વિશેષ તપાસ કુવાડવા રોડ પોલીસ કરશે અને આ તપાસ બાદ વધુ ખરી અને વિશેષ વિગતો બહાર આવશે. આ કામગીરી પીઆઇ એ.બી.જાડેજા, પો.સબ.ઇન્સ પી.કે.ગામેતી,પો.સબ.ઇન્સ એસ.વી.ગોહિલ,એ.એસ.આઇ હારૂૂનભાઇ ચાનીયા, રવિભાઇ વાંક, તથા પો.હેડ.કોન્સ સંજયરાજ બારોટ, પિયુષભાઇ ચીરોડીયા, દેવાંગભાઈ પાલા, અજયભાઇ જેસીંગભાઈ, હીતેશભાઈ અગ્રાવત, ધર્મેશભાઇ ધોરાળીયા તથા પો.કોન્સ દેવાભાઈ ધરજીયા, દિવ્યરાજસિંહ જાડેજા, મહેશભાઈ કોઠીવાળ, હરપાલસિંહ જાડેજા, ગોપાલભાઇ બોળીયા સાથે એસ.ઓ.જી શાખાના એ.એસ.આઇ અરૂૂણભાઈ બાંભણીયાએ કરી હતી.
