જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના વિરવાવ ગામમાં એક ખેડૂતે આર્થિક સંકળામણ તેમજ પોતાના પુત્રની લગ્નની ચિંતા ના કારણે ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. જેને લઈને ખેડૂત પરિવારમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના વીરવાવ ગામમાં રહેતા અને ખેતી કામ કરતા પ્રકાશભાઈ રામભાઈ કાતડ નામના 46 વર્ષના આહીર ખેડૂત યુવાને ગઈકાલે પોતાના ઘેર કપડાં સૂકવવાની દોરી વડે લોખંડ ના એંગલ માં ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જીવન લીલા સંકેલી લીધી હતી.
આ બનાવ અંગે મૃતકના નાનાભાઈ મનીષ રામભાઈ કાતડે પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્યના પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.એસ. જાડેજા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને ખેડૂતના મૃતદેહ નો કબજો સંભાળી આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસની પૂછપરછ દરમિયાન મૃતક ખેડૂત કે જેઓ છેલ્લા કેટલાક સમયથી આર્થિક તંગી ભોગવતા હતા, અને પોતાના પુત્રના લગ્નની ચિંતામાં છેલ્લા કેટલાક સમયથી ગમસૂમ રહેતા હતા, અને તેના કારણે આ પગલું ભરી લીધું હોવાનું જાહેર કર્યું છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
કૂવામાં પડી જવાથી ખેડૂતનું મોત
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાં રહેતા અને ખેતી કામ કરતા જયંતીભાઈ ભગવાનજીભાઈ પટેલ નામના 62 વર્ષના ખેડૂત બુઝુર્ગ કે જેઓ ગઈકાલે પોતાની વાડીમાં કુવાના કાંઠે પાણીની પાઇપલાઇન રીપેર કરી રહ્યા હતા, તે દરમિયાન તેઓનો એકાએક પગ લપસી જતાં કુવામાં પડી ગયા હતા, અને ડબી જવાના કારણે તેઓનું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતકના પુત્ર ચિરાગ જયંતીભાઈ પટેલે પોલીસને જાણ કરતાં જામજોધપુરના પોલીસ હેડ કોન્સ્ટેબલ આર.આર. જાડેજા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને જયંતીભાઈ પટેલના મૃતદેહનો કબજો સંભાળી સમગ્ર બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
