ગોંડલના ગુંદાળા પાસે બોલેરો બ્રિજની રેલિંગ સાથે અથડાયા બાદ નીચે ખાબકી, બે ભાઇ સહિત 4 ઘાયલ: રાજકોટથી 16 લોકો બોલેરોમાં માછીમારી માટે જતા હતા ત્યારે બનેલો બનાવ
ગોંડલની ગુંદાળા ચોકડી ઓવરબ્રીજ ઉપર શનિવાર ની રાત્રીના ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બોલેરો પીકઅપ વાન બ્રીજ ની રેલિંગ સાથે ધડાકાભેર અથડાતા છ વ્યક્તિઓ બ્રીજ નીચે પટકાતા બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. જયારે એકનું રાજકોટ સિવિલ હોસ્પીટલમાં મોત થયું છે. જ્યારે ચાર વ્યક્તિઓ ને ગંભીર ઈજાઓ પંહોચી હતી. ઘટનાને પગલે લોકોનાં ટોળા એકઠા થઈ ગયા હતાં.
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ થી બોલેરો પીકઅપ વાન નંબર GJ 03 BT 5020 જુનાગઢ નાં વિસાવદર નાં ધ્રાફળ ડેમ તરફ મચ્છીમારી કરવા જઈ રહી હતી. બલેરો પીકઅપ વાનનાં ઠાઠામાં માચ્છીમારીની નેટ ભરેલી હોય તેની ઉપર 16 વ્યક્તિઓ બેઠી હતી. દરમિયાન રાત્રીનાં 11 નાં સુમારે ગોંડલ ગુંદાળા ચોકડી પરનાં ઓવરબ્રિજ પર પંહોચેલી બલેરો નાં ચાલકે કાબુ ગુમાવતા બલેરો બ્રીજ ની રેલિંગ સાથે ઘડાકાભેર અથડાતા નેટ ઉપર બેઠેલા કૃષ્ણનંદન રામબલી સહની, રિતેષકુમાર ઓપીન્દર સહની,સન્ની સહની વિકાસ મિથેલેસ સહની,ચંદન નરેશ સદા,ગુલાબ રામબલી સહની બ્રીજ પર થી ફંગોળાઇ 20 ફુટ નીચે પટકાતાં માથા નાં ભાગે ગંભીર ઈજાઓને કારણે કૃષ્ણનંદન સહની ઉ.25 તથા રિતેષકુમાર સહની ઉ.18 નું ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. જયારે ગુલાબ રામબબી સહનીનું રાજકોટ હોસ્પીટલમાં મોત થયું હતું. જ્યારે સન્ની સહની,વિકાસ સહની,ચંદન સદા અને ગુલાબ સહની ને ઇજાગ્રસ્ત બન્યાં હતાં.
અકસ્માતની જાણ થતા જ યુવા આગેવાન ગણેશભાઈજાડેજા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ઈજાગ્રસ્તોને ખાનગી તેમજ સરકારી હોસ્પિટલમાં ખસેડવાની વ્યવસ્થા કરી હતી. રાહત કામગીરી માટે માર્કેટ યાર્ડની એમ્બ્યુલન્સ, 108 સેવા તેમજ શિવમ ટ્રસ્ટની એમ્બ્યુલન્સો પણ સ્થળ પર પહોંચી ગઈ હતી.
મૃતક બન્ને યુવાનો બિહાર નાં વતની હતા.હાલ રાજકોટ આજીડેમ પાસે રહેતા. અને માચ્છીમારી નો વ્યવસાય કરતા હતાં.
બન્ને અપરણીત હતા. બોલેરો ગાડીમાં ઘરવખરીના સામાન સાથે ગેસ સિલિન્ડર પણ રાખેલા હતા. સદનસીબે, અકસ્માત દરમિયાન ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો ન હતો, નહીંતર મોટી જાનહાનિ થવાની શક્યતા હતી. બનાવ અંગે બી’ડીવીઝન પોલીસ નાં આર.ટી.પરમારે સુરજ સહની ની ફરિયાદ લઇ બલેરો ચાલક રાજકોટ નાં મૌલિક ધનજીભાઇ રાઠોડ સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.
