નકલી ઈડીનો રેલો ગોપાલ ઈટાલિયા અને મનોજ સોરઠિયા સુધી, પૂછપરછ થઈ શકે

કચ્છમાંથી તોડ કરતા ઝડપાયેલ ઈડીની નકલી ગેંગનો રેલો આમ આદમી પાર્ટીના નેતાઓ ગોપાલ ઈટાલિયા અને મનોજ સોરઠિયા સુધી પહોંચે તેવી શક્યતા દર્શાવાઈ રહી છે. આ…

કચ્છમાંથી તોડ કરતા ઝડપાયેલ ઈડીની નકલી ગેંગનો રેલો આમ આદમી પાર્ટીના નેતાઓ ગોપાલ ઈટાલિયા અને મનોજ સોરઠિયા સુધી પહોંચે તેવી શક્યતા દર્શાવાઈ રહી છે. આ સમગ્ર કાંડની તપાસ કરાવી રહેલા કચ્છના એસ.પી.એ આજે ખુલાસો કર્યો હતો કે, ઈડીની નકલી ગેંગનો સભ્ય અબ્દુલ સતાર મંજોઠી ઠગાઈના તમામ નાણા આમ આદમી પાર્ટીમાં વાપરતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.


કચ્છ એસપીએ આજે પત્રકારો સમક્ષ જણાવ્યું હતું કે, ઈડીની નકલી ગેંગને સભ્યોની પુછપરછ દરમિયાન નવી નવી હકીકતો બહાર આવી રહી છે. આપના નેતા અને આ ગેંગના સભ્યો અબ્દુલ સતાર મંજોઠીએ બે મહિના પહેલા ગોપાલ ઈટાલિયા અને મનોજ સોરઠિયાની ભૂજ સર્કિટ હાઉસ ખાતે બેઠક પણ યોજી હતી અને આ શખ્સ ઠગાઈના તમામ પૈસા પણ પાર્ટી પાછળ વાપરતો હોવાનું ખુલ્યું છે. અબ્દુલ સતાર મંજોઠી સામે જામનગર અને ભૂજમાં ખુન તથા ખુનની કોશીષ જેવા ગંભીર ગુનાઓ પણ નોંધાયેલા છે.


તેમણે જણાવ્યું હતું કે, આ પ્રકરણમાં જરૂર પડે તો આમ આદમી પાર્ટીના નેતાઓ ગોપાલ ઈટાલિયા અને મનોજ સોરઠિયાને પુછપરછ માટે બોલાવવામાં આવશે અને વધુ જરૂર પડે તો પાર્ટીના અન્ય નેતાઓને નિવેદન માટે તેડુ મોકલવામાં આવશે.


ઉલ્લેખનીય છે કે, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે જ સોશિયલ મીડિયા ઉપર ઠગબાજ અબ્દુલ મંજોઠીના આમ આદમી પાર્ટીના નેતાઓ સાથેના ફોટાઓ વાયરલ કરી મંજોઠી આમ આદમી પાર્ટીનો આગેવાન હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. ત્યાર બાદ ગણતરીના કલાકોમાં જ કચ્છ એસપીએ પણ આ વાત દોહરાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *