રાજકોટ શહેરના ફેમીલી કોર્ટ પાસે આવેલી સબરજીસ્ટ્રાર કચેરી ઝોન-1 અને ઝોન-2 માં કામ કરતા કર્મચારી અને એડવોકેટ સહીત 3 શખ્સો મવડી, રામપર, મઘરવાડા અને રૈયા વિસ્તારના 17 જેટલા બોગસ દસ્તાવેજો બનાવી નાખતા પ્રનગર પોલીસ મથકમાં ત્રણેય વિરૂધ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગુનામાં પોલીસે કોમ્પ્યુટર ઓપરેટરના સુપર વાઇઝરની ધરપકડ કરતા તેમના સ્કુટરમાથી એક લાખની રોકડ અને દારૂની બોટલ મળી આવી હતી.
ઝડપાયેલા જયદીપ શાંતિલાલ ઝાલાની પુછપરછમા કોમ્પ્યુટર ઓપરેટર હર્ષ સોની અને એડવોકેટ કિશન ચાવડાનુ નામ ખુલતા તેમની પણ પ્રનગર પોલીસ દ્વારા શોધખોળ કરવામા આવી હતી. ત્યારે બિલખા પ્લાઝાના નવમા માળે ફલેટમા ભાડે રહેતા હર્ષ સોનીના ફલેટમા તપાસ કરતા ત્યાંથી થોકબંધ દસ્તાવેજો, સ્ટેમ્પ પેપર અને સ્ટેમ્પના સિકકા મળી આવ્યા હતા. તેમજ જયદીપને કોર્ટમા રજુ કરતા તેમના 4 દિવસના રિમાન્ડ મંજુર થયા હતા તેમજ આ સમગ્ર કૌભાંડની તપાસ કરવા માટે ડીસીપી ઝોન ર ની અધ્યક્ષતામા સીટની રચના કરવામા આવી હતી.
તેમજ આ બોગસ દસ્તાવેજ કૌભાંડમા અલગ અલગ 6 ટીમો દ્વારા તપાસ કરવામા આવી રહી છે. તેમજ સબ રજીસ્ટ્રાર કચેરીમા નોકરી કરતા કર્મચારીઓના પણ નિવેદન લેવામા આવશે તેવુ પોલીસ દ્વારા જણાવવામા આવી રહયુ છે. ત્યારે હાલ પ્રનગર પોલીસ મથકના પીઆઇ બી. એમ. ઝણકાટ અને પીઆઇ પીયુષ ડોબરીયા દ્વારા જણાવવામા આવ્યુ હતુ કે ઝડપાયેલા જયદીપ ઝાલાને સાથે રાખી તેમના ઘરે તપાસ કરતા કાંઇ મળી આવ્યુ નહોતુ તેમજ તપાસને અંતે હવે જયદીપે મૌન સેવી લેતા આરોપી કિશન ચાવડા અને હર્ષ સોની પકડાયા બાદ હકીકત જાણવા મળશે તેવુ પોલીસમાંથી જણાઇ રહયુ છે. આ સમગ્ર કૌભાંડમા હાલ એક તલાટી મંત્રી શંકાના દાયરામા હોવાનુ પોલીસ સુત્રોમાંથી જાણવા મળી રહયુ છે. તેમજ સબ રજીસ્ટ્રાર કચેરીના સ્ટાફની પણ કૌભાંડ અંગે પુછપરછ કરવામા આવશે તેવુ પ્રનગર પોલીસ મથકના પીઆઇ બી. એમ. ઝણકાટે જણાવ્યુ હતુ.
