ચૂંટણી આવી છતાં મતદાર સ્લીપ ઘરે પહોંચી નથી, QR કોડમાં અભણ ગોટે ચડ્યા

રાજકોટ મનપાની ચૂંટણીમાં આ વખતે વહીવટી તંત્ર દ્વારા મતદાર સ્લીપ ડોર ટુ ડોર પહોંચાડી નથી. રાજકીય પક્ષો ઉપર જ સ્લીપ જે તે વોર્ડમાં પહોંચાડવાની જવાબદારી…

રાજકોટ મનપાની ચૂંટણીમાં આ વખતે વહીવટી તંત્ર દ્વારા મતદાર સ્લીપ ડોર ટુ ડોર પહોંચાડી નથી. રાજકીય પક્ષો ઉપર જ સ્લીપ જે તે વોર્ડમાં પહોંચાડવાની જવાબદારી વધી ગઇ છે. પરંતુ મોટાભાગના વિસ્તારોમાં હજુ સુધી ઘરે સ્લીપ પહોંચી ન હોવાની વ્યાપક ફરિયાદો સામે આવી છે. વહીવટી તંત્રે આ વખતે સ્લીપ વિતરણ ન કર્યુ હોવા પાછળનું કારણ એસ.આઇ.આર. છે. એસ.આઇ.આરની કામગીરી બાદ તંત્ર ગોટે ચડ્યુ છે. તો પક્ષોમાં નિરાશ કાર્યકર્તાઓ પ્રચારમાં તો મને-ક-મને સાથે રહ્યા પણ સ્લીપ થેલામાં જ રાખી મુકી હોય તેવુ સ્પષ્ટપણે માની શકાય.

આમ તો જો કે મતદાન કેન્દ્ર મોટાભાગે ફિક્સ જ હોય છે. પછી તે મનપાની ચૂંટણી હોય, વિધાનસભાની કે પછી લોકસભાની. જે તે વિસ્તારના રહેવાસીઓને એ તો જાણ હોય જ છે કે દર વખતે તેઓ ક્યા મતદાન કેન્દ્ર પર મતદાન કરવા જાય છે. પણ મતદાન સ્લીપથી સરળતા એ રહે છે કે સ્લીપમાં ક્યા રૂૂમ(ખંડ)માં મતદાન કરવા જવાનુ છે તે ચોખ્ખવટપુર્વક જાણકારી આપવામા આવેલી છે. પરંતુ આ વખતે આ જાણકારી માટે મતદારો ગોથે ચડી એવી હાલત છે. વહીવટી તંત્ર તરફથી મતદારો માટે ક્યુ.આર.કોડ જાહેર કરવામા આવ્યો છે.

ક્યુ.આર.કોડમાં ઇલેકશન કાર્ડમાં જે ઇ.પી.આઇ.સી. નંબર(ચૂંટણી કાર્ડમાં આપેલો નંબર) નાખવાથી મતદાન કેન્દ્ર ક્યુ છે એ દર્શાવવામા આવે છે પરંતુ એ મતદાન મથકના ક્યા રૂૂમમાં, ક્યા ખંડમાં લિસ્ટમાં નામ છે તે જાણવા મળતુ નથી. પરિણામે મતદારો માટે મુશ્કેલી એ થશે કે મતદાન કેન્દ્ર મથકના 200 મીટર દૂર બેઠેલા પક્ષના ટેબલ પર લિસ્ટમાં જોવડાવવા જવુ પડશે.

કાં તો મતદાન મથકની અંદર હેલ્પ ડેસ્ક પર પુછપરછ કરવા જવુ પડશે. મતદાન કેન્દ્રના ક્યા રૂૂમમાં જવાનુ છે એ જાણવા માટે હેલ્પ ડેસ્ક પર લાંબી કતાર લાગે અને મતદારોને લાંબો સમય સુધી હેરાન થવુ પડે તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી. બીજીબાજુ આ વખતે ભાજપ-કોંગ્રેસ બન્નેમાં આંતરિક ડખ્ખા છે. ભાજપમાં વધુ છે. માઇક્રો પ્લાનીંગ માટે ભાજપની ચુસ્ત વ્યવસ્થા હોય છે. મતદાનના બે-ત્રણ દિવસ પૂર્વે જ ઘરે ઘરે સ્લીપ પહોંચતી થઇ જાય છે. પરંતુ આ વખતે મોટાભાગના વિસ્તારોમાં ભાજપની સ્લીપ પહોંચી નથી. તો કોંગ્રેસ અને આપ પાર્ટી તરફથી પણ સ્લીપ વિતરણમાં ધાંધિયા થયા છે. કહેવાય છે કે ભાજપના નારાજ કાર્યકર્તાઓને તેમના ચોક્કસ વિસ્તારમાં સોંપાયેલી જવાબદારી મુજબ સ્લીપ વિતરણ માટે અપાઇ ચુકી હતી. પરંતુ મોટાભાગના નારાજ કાર્યકર્તાઓએ સ્લીપો થેલામાં જ રાખી મુકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *