વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇથોપિયાની મુલાકાત દરમ્યાન શાકાહારી ગાલા ડિનર બાદ મોદી અને ઇથોપિયાના પીએમ બહાર નીકળી રહ્યા હતા ત્યારે બહાર મોટી સંખ્યમાં લોકો તેમને જોવા માટે ઉમટી પડ્યા હતા. આ લોકો મોદી મોદી…ના નારા લગાવ્યા હતા. પરંતુ આ ભીડમાં એક ખાસ વ્યક્તિએ ઈથોપિયાના પીએમનું ધ્યાન ખેંચ્યું હતું અને તે હતા મૂળ રાજકોટના હર્ષ કોઠારી ઈથોપિયાના પીએમએ ભીડમાંથી હર્ષ કોઠારીને બોલાવી પીએમ મોદી સાથે ભેટો કરાવ્યો હતો. જેનો વીડિયો પણ હાલ સામે આવ્યો છે.
ઇથોપિયામાં રોકાણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સન્માનમાં આદિસ અબાબા ક્ધવેન્શન સેન્ટર ખાતે એક ખાસ ભારતીય શાકાહારી ગાલા ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગાલા ડિનરમાં ઇથોપિયાના મુખ્ય કેબિનેટ મંત્રીઓ અને એનએસએ ચીફ અજિત ડોભાલ સહિત વરિષ્ઠ ભારતીય અધિકારીઓએ હાજરી આપી હતી.
રાત્રિ ભોજન પછી જ્યારે બંને નેતાઓ બહાર નીકળી રહ્યા હતા ત્યારે ઇથોપિયાના વડાપ્રધાન ડો. અબી અહેમદે અચાનક કોઈ ઓળખીતા વ્યક્તિ સામે હાથ હલાવ્યો, આથી તેઓ ત્યાં જ ઉભા રહી ભીડમાંથી આ માણસને બોલાવ્યો અને ખાસ કરીને આ યુવાનનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પરિચય કરાવ્યો હતો. આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ હર્ષભાઈ કોઠારી હતા. જેનો પરિવાર રાજકોટનો છે. પીએમ અબીએ હર્ષભાઈનો પરિચય નરેન્દ્ર મોદી સાથે કરાવ્યો અને કહ્યું કે કોઠારી પણ એક ગુજરાતી છે.
હર્ષ કોઠારી ઇથોપિયામાં રહેતા ચોથી પેઢીના ભારતીય છે, જેમના પરદાદા 1915માં ઇથોપિયા સ્થળાંતર કરી ગયા હતા. હર્ષ તેમના પારિવારિક વ્યવસાય મોહન પીએલસીના સીઈઓ છે, જે ઇથોપિયામાં સારી રીતે ઓળખાય છે અને પ્રતિષ્ઠિત છે. હર્ષનો રાજકોટ સાથે ગાઢ સંબંધ છે. હર્ષભાઈ નિયમિતપણે તેના પરિવાર સાથે સમય વિતાવવા માટે રાજકોટની મુલાકાત લે છે.
