શહેરના મોટામવા વિસ્તારમાં આવેલી જલારામ હોટેલમાં એક કરુણ ઘટના પ્રકાશમાં આવી છે. હોટેલમાં કામ કરતા અને ત્યાં જ રહેતા 26 વર્ષીય યુવાન પવનકુમાર રામયશભાઈ યાદવે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતા જ હોટેલ સ્ટાફ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. યુવકને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબ મિતાલી ગોસાઈએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો.
બનાવની વિગતો મુજબ, મૂળ ઉત્તર પ્રદેશના વતની પવનકુમાર મોટામવાની જલારામ હોટેલમાં રહીને કામ કરતો હતો. ગત રાત્રિએ તેની નાઈટ ડ્યુટી હતી, પરંતુ તે ફરજ પર હાજર ન થતા અને તેના રૂૂમનો દરવાજો અંદરથી બંધ હોવાથી અન્ય કર્મચારીઓને શંકા ગઈ હતી. વારંવાર દરવાજો ખખડાવવા છતાં અંદરથી કોઈ પ્રતિસાદ ન મળતા અંતે દરવાજો તોડવાની ફરજ પડી હતી. દરવાજો તોડીને અંદર જોતા જ કર્મચારીઓ સ્તબ્ધ થઈ ગયા હતા, કારણ કે પવનકુમારે લોખંડના એન્ગલ સાથે ચાદર બાંધીને ગળેફાંસો ખાઈ લીધો હતો. મૃતક પવનકુમારના પારિવારિક વાત કરીએ તો, તે ત્રણ ભાઈ અને એક બહેનના પરિવારમાં વચેટ ભાઈ હતો. તેના લગ્ન થઈ ચૂક્યા હતા અને સંતાનમાં તેને એક નાની દીકરી પણ છે. આત્મહત્યાના પગલાને કારણે દોઢ વર્ષની માસૂમ દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.પવનકુમાર કયા કારણોસર માનસિક તણાવમાં હતો અથવા કયા સંજોગોએ તેને આ પગલું ભરવા મજબૂર કર્યો, તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. હાલમાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
