વડોદરા શહેરમાં સાયબર ક્રાઈમનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. નકલી પોલીસ અધિકારીઓ બનીને સાયબર ઠગોએ શહેરની 65 વર્ષીય સિનિયર સિટીઝન મહિલાને 15 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટમાં રાખી તેમના પાસેથી રૂૂ. 1 કરોડ 82 લાખ 66 હજાર રૂૂપિયાની છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું છે. આ મામલે પીડિત મહિલાએ વડોદરા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે.
મળતી માહિતી પ્રમાણે 4 ડિસેમ્બરના રોજ સવારે આશરે 11 વાગ્યે મહિલાને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. કોલ કરનારાએ પોતે સરકારી વિભાગમાંથી બોલતો હોવાનું જણાવ્યું હતું અને મહિલાના આધાર કાર્ડનો દુરુપયોગ થયાની વાત કરી હતી. કોલર મુજબ, પીડિતાના આધાર કાર્ડથી સિમકાર્ડ લીધું હોવાનું અને તેના નામે 39 ગુનાંના કેસ નોંધાયેલા હોવાનું જણાવાયું હતું. બાદમાં કોલને મુંબઈના કોલાબા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સંદીપ રાવ તરીકે ઓળખાવતા એક બીજા ઠગે સંભાળી લીધો હતો.
ઠગોએ વોટ્સએપ વિડિયો કોલ દ્વારા પોલીસ યુનિફોર્મ પહેરેલા નકલી અધિકારી તરીકે પોતાની ઓળખ આપી હતી અને પાછળ પોલીસ ઓફિસ જેવા લોગો દર્શાવી પીડિતાનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે મહિલાનું આધાર કાર્ડ મંગાવ્યું હતું તેમજ સુપ્રીમ કોર્ટની નોટિસ, નકલી આઈડી કાર્ડ સહિતના દસ્તાવેજ મોકલી ડરાવ્યાં હતાં. સાથે જ મહિલાને ઘરમાં જ ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હોવાની ખોટી માહિતી આપી રોજ સવારે મેસેજ કરવા આદેશ આપ્યા હતા.
ઠગોએ આગળ જણાવી હતું કે, પીડિતાના નામે લેવાયેલું સિમ કાર્ડ આતંકવાદીઓ દ્વારા વપરાયું હોવાનું જણાયું છે અને તેના આધાર પર રૂૂ. 243 કરોડના મની લોન્ડરિંગનો ગંભીર કેસ સામે આવ્યો છે. ખોટી માહિતીના આધારે ઠગોએ મહિલાના મ્યુચ્યુઅલ ફંડ, એફડી સહિતની તમામ રોકાણ વિગતો મેળવી લીધી હતી. ત્યારબાદ આરબીઆઈના સુરક્ષા ખાતામાં પૈસા જમા કરાવવા કહ્યું હતું જેથી કેસમાંથી છૂટકારો મળશે અને પૈસા પરત મળી જશે એવી ખાતરી આપી હતી. 11 થી 16 ડિસેમ્બર દરમિયાન ઠગોએ પીડિતાના વિવિધ બેંક ખાતાઓમાંથી અલગઅલગ ટ્રાન્ઝેકશન દ્વારા કુલ રૂૂ. 1 કરોડ 82 લાખ 66 હજાર રૂૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. દરેક ટ્રાન્સફરની રસીદ વોટ્સએપ પર મોકલી વિશ્વાસમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. 18 ડિસેમ્બરે વધુ એફડી તોડાવવાની વાત થતાં મહિલાને શંકા જતાં તેમણે પરિવારજનોને જાણ કરી હતી. મામલો સામે આવતા જ પીડિતાએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.
