શહેરના કાલાવડ રોડ પર આવેલી લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા 68 વર્ષીય મીનાબેન સાગરભાઈ ગોહિલ પર ગત તારીખ 02/04/2026 ના રોજ મોડી રાત્રે જાનલેવા હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. ફરિયાદ મુજબ, મીનાબેન રાત્રિના સમયે પોતાના ઘરની ઓસરીમાં મચ્છરદાની લગાવીને સૂતા હતા, જ્યારે તેમના પુત્ર અને પુત્રવધૂ અંદરના રૂૂમમાં હતા. રાત્રિના આશરે 11:30 થી 12:00 વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા શખ્સે તેમની મચ્છરદાની ખેંચતા મીનાબેનની ઊંઘ ઉડી ગઈ હતી. જાગતાની સાથે જ ત્યાં હાજર શખ્સે છરી જેવા તીક્ષ્ણ હથિયાર વડે વૃદ્ધા પર હુમલો કરવાનું શરૂૂ કર્યું હતું, જેમાં તેમને ડાબા હાથની હથેળી, કાંડા, પેટ અને આંખના ખૂણા પાસે ગંભીર ઇજાઓ પહોંચી હતી.
ઈજાગ્રસ્ત વૃદ્ધાએ બૂમાબૂમ કરતા તેમનો પુત્ર હિતેશ અને પુત્રવધૂ પૂજા તુરંત બહાર દોડી આવ્યા હતા. લાઈટના અજવાળામાં જોતા હુમલાખોર તેમના જ સમાજનો રમેશભાઈનો દીકરો પ્રશાંત મકવાણા હોવાનું જણાયું હતું. હિતેશે તેને પકડવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ આરોપી હવામાં છરી વીંઝીને ઘરની દીવાલ કૂદીને નાસી છૂટ્યો હતો. પાડોશી ભરતભાઈ રાઠોડે પણ આરોપીને ઘરની દીવાલ કૂદીને ભાગતા જોયો હોવાની પુષ્ટિ કરી હતી.
લોહીલુહાણ હાલતમાં મીનાબેનને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે ગાંધીગ્રામ-2 (યુનિવર્સિટી) પોલીસ સ્ટેશનમાં આરોપી પ્રશાંત રમેશભાઈ મકવાણા વિરુદ્ધ બી.એન.એસ.ની કલમ 118(1), 331(4) અને જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ ગેરકાયદેસર ઘરમાં પ્રવેશ કરી હથિયાર વડે ઈજા પહોંચાડવા અને જાહેરનામાનો ભંગ કરવા બદલ ફરિયાદ નોંધી છે.
