તમામ બેઠકોમાં આંતરિક ગતિવિધિ પર રહેશે બાઝ નજર
જૂથવાદ, સામાજિક સમીકરણો, ઉમેદવારની ક્લિન છબી ઉપર અપાશે વિશેષ ધ્યાન
મારા અને તારા નહિ પરંતુ સારા ઉમેદવારને ટિકીટ મળશે… ભાજપના પ્રદેશ પ્રમુખ વિશ્વકર્માએ પહેલાથી જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ વાચ્છુંકો માટે કડક શબ્દોમાં ચેતવણી આપી દીધી છે. ત્યારે હવે કમલમથી નવો આદેશ આવ્યો છે કે, ભાજપનો કોઇપણ ચમરબંધી ટિકિટ માટે ધમપછાડા કરશે તેનો તત્કાલ હિસાબ થશે. ભાજપ દ્વારા બનાવાયેલી શિસ્ત સિતિની બેઠકમાં આ સ્પષ્ટ મેસેજ કાર્યકર્તાઓને આપવામાં આવ્યો છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમા એકવાર ટિકિટની જાહેરાત થઈ ગઈ, તેના બાદ ભાજપમાં આંતરિક કકળાટ જોવા મળી શકે છે. કારણ કે, દરેક બેઠકો પર મોટી સંખ્યામાં દાવેદારી કરવામાં આવી છે. આ કારણે આંતરિક અસંતોષ વધી શકે છે. આ અસંતોષને ખાળવા માટે ભાજપે પાણી પહેલા જ પાળ બાંધી દીધી છે. બાજપે સેન્સની પ્રક્રિયા દરમિયાન જ પ્રદેશ સ્તરથી શિસ્તના પાઠ આપી દીધા છે. તેમજ કડક શબ્દોમાં ચેતવણી પણ આપી દીધી કે, જો માપમા નહિ રહો તો પગલા લેવાશે.
આ સાથે જ ભાજપે બનાવીલે શિસ્ત સમિતિને તમામ બેઠકોની આંતરિક ગતિવિધિ પર નજર રાખવા કહી દેવાયું છે. તેમજ આદેશ આપ્યો છે કે, ક્યાંય પણ કોઇ ગમે તેવા સિનિયર નેતા સહેજ પણ ધમપછાડાં કરે તો ધ્યાન રાખજો. તેમને તાત્કાલિક શો-કોઝ નોટિસ પાઠવી સસ્પેન્ડ કરવા. અથવા પક્ષમાંથી કાઢી મૂકવા.
ભાજપે રજનીકાંત પટેલને શિસ્ત સમિતિના ક્ધવીનર તરીકે નિમ્યા છે. આ ઉપરાંત પક્ષે અન્ય સિનિયર નેતાઓને પણ નિયુક્ત કર્યા છે. જેમની નજર બળવાખોર નેતાઓ પર રહેશે. સંગઠન પર મજબૂત પકડ ધરાવતા નેતાઓને શિસ્ત સમિતિમાં સ્થાન અપાયું છે. જેથી તેમનો નિર્ણય તટસ્થ હોય અને તેમના નિર્ણય પર કોઈ સવાલો ન ઉઠાવે.
આ ઉપરાંત ભાજપમાં કોઈ જુથવાદ ન કરે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે. ખાસ કરીને મોટા શહેરોમાં કાર્યકર્તો વચ્ચે કોમ્પિટિશન વધી રહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રની વાત કરીએ તો અહી જુથવાદ છે. તો ઉત્તર ગુજરાતમાં સામાજિક સમીકરણો પર વધુ ભાર રાખવું પડશે. દક્ષિણ ગુજરાતમાં અલગ મોરચો છે. અહી સંગઠન મજબૂત છે, પરંતુ સ્થાનિક સ્તરે દાવેદારી હોવાથી તણાવભર્યો માહોલ છે. તેથી આ તમામ સમીકરણોને ધ્યાનમાં રાખીને ટિકિટ આપવામાં આવશે.
મારા અને તારા નહીં પરંતુ સારા ઉમેદવારને ટિકિટ
હાલમાં જ રાજકોટ ખાતે ભાજપની સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા સંગઠનની મોટી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જગદિશ વિશ્વકર્માએ કાર્યકર્તાઓને જીતનો મંત્ર આપ્યો હતો. સાથે જ નવનિયુક્ત હોદ્દેદારોને ટીમ ભાજપ બનીને કામ કરવા ટકોર કરી હતી. તેમજ કાર્યકર્તાઓને શિસ્તમાં રહેવા પણ અપીલ કરી હતી. તેઓએ કહ્યું કે, વ્યક્તિગત રાગદ્વેષ રાખીને જો કોઇ નનામી અરજી, સીડી કે પેનડ્રાઇવ મોકલશે તો સીધી જ કચરા પેટીમાં જશે. મારા અને તારા નહિ પરંતુ સારા ઉમેદવારને ટિકીટ મળશે. બધા કાર્યકર્તાને ટિકીટ આપવી શક્ય નથી, જેથી જેને ટિકીટ મળે તેને જીતાવડા અનુરોધ કર્યો.
