ખંભાળિયા તાલુકાના મોવાણ ગામના રહીશ અને જામનગરના મૂળ વતની એવા જેન્તી ગોવિંદભાઈ સોનગરા નામના શખ્સ દ્વારા કલ્યાણપુર પંથકના રહેવાસી એવા એક પરિવારની સગીર વયની પુત્રીને ગત તારીખ 12 મે 2019 ના રોજ લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે પરિવારના વાલીપણામાંથી અપહરણ કરીને લઈ ગયો હતો.ત્યાર બાદ સગીરાને સુરત ખાતે લઈ જઈ અને તેણી સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. આ પછી આરોપીએ સગીરાને મોરબી ખાતે આવેલા નારી સંરક્ષણ ગૃહમાં મૂકીને નાસી ગયો હતો. આ સમગ્ર પ્રકરણ અંગે સગીરાના માતાએ તારીખ 17 મે 2019 ના રોજ કલ્યાણપુર પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી હતી.
જેને અનુલક્ષીને પોલીસે આરોપીની અટકાયત કરી, વિવિધ આધાર પુરાવાઓ સાથે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કર્યું હતું. આ અંગેનો કેસ દ્વારકાની સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ કે.જે. મોદી સમક્ષ ચાલી જતા આ પ્રકરણમાં ભોગ બનનાર, ફરિયાદી તથા અન્ય મહત્વના સાહેદોની જુબાની સાથે વિવિધ આધાર પુરાવાઓ રજૂ કરી, મદદનીશ જિલ્લા સરકારી વકીલ અમિતભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવેલી દલીલોને ધ્યાનમાં લઇ અને નામદાર અદાલત દ્વારા આરોપી જયંતિ ગોવિંદભાઈ સોનગરાને જુદી જુદી કલમ હેઠળ દસ વર્ષની સખત કેદની સજા તથા રૂૂપિયા 15,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.આ ઉપરાંત બનનારને તેના સામાજિક આર્થિક અને માનસિક પુનર્વસન માટે વિટનેસ કમ્પન્સેશન સ્કીમ હેઠળ રૂૂપિયા ચાર લાખનું વળતર ચૂકવવા માટે પણ આદેશ કરવામાં આવ્યો છે.
