2025માં ઝાડા-ઊલટીના 9230, ટાઈફોઈડના 99 અને કમળાના 152 કેસ સરકારી ચોપડે નોંધાયા
રાજકોટ મહાનગર પાલિકાની આરોગ્ય શાખા દ્વારા જાહેર કરવામાં આવેલા સાપ્તાહિક પ્રેસનોટ મુજબ, શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાને નિયંત્રિત કરવા માટે સઘન કામગીરી કરવામાં આવી રહી છે. વર્ષ 2025 દરમિયાન નોંધાયેલા આંકડાઓનું વિશ્ર્લેષણ કરતા જાણવા મળે છે કે શહેરમાં પ્રતિદિન સરેરાશ શરદી-ઉધરસના 112 અને સામાન્ય તાવના 107 કેસ નોંધાયા છે.
રોગચાળાના સાપ્તાહિક આંકડા પ્રમાણે તાજેતરના સપ્તાહ (તા. 22/12/2025 થી તા. 28/12/2025) દરમિયાન નોંધાયેલ કેસોમાં શરદી-ઉધરસ: 828 કેસ (વર્ષના કુલ 40,805), સામાન્ય તાવ: 733 કેસ (વર્ષના કુલ 38,884), ઝાડા-ઉલટી: 138 કેસ (વર્ષના કુલ 8,230) નોંધાયા છે. ગત સપ્તાહે ડેન્ગ્યુનો 1 પોઝિટિવ કેસ નોંધાયો છે, જ્યારે વર્ષ દરમિયાન કુલ 84 કેસ નોંધાયા છે. તો ગત સપ્તાહે ટાઈફોઈડનો 1 કેસ નોંધાયેલ છે.
મહાનગરપાલિકા દ્વારા મચ્છરની ઘનતા ઘટાડવા માટે ફોગીંગ અને પોરાનાશક કામગીરી તેજ કરવામાં આવી છે.આરોગ્ય વિભાગ દ્વારા 163 જેટલી બિન-રહેણાંક પ્રીમાઇસીસ જેવી કે હોસ્પિટલ, સ્કૂલ અને બાંધકામ સાઇટની તપાસ કરવામાં આવી હતી. મચ્છરના ઉત્પત્તિ સ્થાનો મળી આવતા રહેણાંક વિસ્તારમાં 124 અને કોર્મશીયલ વિસ્તારમાં 13 આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે.ગત સપ્તાહમાં 12,789 ઘરોમાં પોરાનાશક કામગીરી અને 512 ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું છે.
શહેરમાં શુદ્ધ પાણી મળી રહે તે હેતુથી આરોગ્ય શાખા દ્વારા કુલ 719 ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા લોકોને સાફ-સફાઈ જાળવવા અને પાણીના પાત્રો ચોખ્ખા રાખવા અપીલ કરવામાં આવી છે કારણ કે માનવીય બેદરકારીને કારણે મચ્છરોની ઉત્પત્તિ વધે છે.
