ભાજપના ચૂંટાયેલા સભ્ય મંડલ પ્રમુખ નહીં નબી શકે

આવતીકાલથી સંગઠન પ્રક્રિયા શરૂ, 15 ડિસેમ્બર સુધી પ્રક્રિયા ચાલશે ભારતીય જનતા પાર્ટીએ ચાર વર્ષ અગાઉ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ, ખાસ કરીને મહાનગર પાલિકાઓમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા…

આવતીકાલથી સંગઠન પ્રક્રિયા શરૂ, 15 ડિસેમ્બર સુધી પ્રક્રિયા ચાલશે

ભારતીય જનતા પાર્ટીએ ચાર વર્ષ અગાઉ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ, ખાસ કરીને મહાનગર પાલિકાઓમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા વેળા જ કેટલાક આશ્ચર્યજનક ધારાધોરણો લાગુ કરી વર્ષોથી જાહેર પદાધિકારીઓ બની જતાં સિનિયર કાર્યકરોના પત્તા કાપી નાખ્યા હતા. એવી જ રીતે હવે સંગઠનમાં નવયુવાનો માટે માર્ગ મોકળો કરવા માટે કેટલાક મહત્ત્વના નિયમો લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.


જેના કારણે મંડલ પ્રમુખ એટલે કે શહેરોમાં વોર્ડ પ્રમુખોની પસંદગી પ્રક્રિયા લોકશાહી ઢબે કરવામાં આવનાર છે. પ્રમુખ બનવા ઇચ્છુક કાર્યકરે વિધિવત રીતે પોતાનું ફોર્મ ભરવાનું રહેશે અને આ ફોર્મના આધારે તેની સ્ક્રૂટિની કરીને મંડલ (વોર્ડ) પ્રમુખની નિમણૂક કરવામાં આવશે.


ભાજપે 5 ડિસેમ્બર એટલે કે આજથી મંડલ પ્રમુખોની નિમણૂક માટે રાજ્યભરમાં પ્રક્રિયા શરૂૂ કરી છે. જિલ્લાઓ અને મહાનગરો, નગરોમાં 15 ડિસેમ્બર સુધી સંગઠનના મહત્ત્વના સ્તર માટે પ્રમુખોની પસંદગી પ્રક્રિયાનો કાર્યક્રમ ચાલશે. અત્યાર સુધી મોટાભાગે ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ એટલે કે કોર્પોરેટરો અને ધારાસભ્યો જ પોતાના લાગતા વળગતા કાર્યકરોને મંડલની જવાબદારી સોંપી દેવાની પેરવીમાં સફળ રહેતા હતા. આ જ રીતે જિલ્લા પ્રમુખમાં પણ ધારાસભ્યો અને સાંસદો ભેગા મળીને ગોઠવણ પાર પાડતા હતા, પરંતુ ભાજપે હવે નવયુવાનોને રાજકીય ક્ષેત્રે વધુ સક્રિય કરી આગળ લાવવા માટે કેટલાક મહત્ત્વના નિર્ણયો જાહેર કર્યા છે. જેમાં મંડલ પ્રમુખ માટે 40 વર્ષ કે તેથી ઓછી ઉંમર તથા જિલ્લા માટે 60 વર્ષની ઉંમર નક્કી કરી છે. આ સિવાય પણ કેટલાક નવા નિયમો પહેલી વખત નક્કી કરાયા છે. એના લીધે કોઇપણ જાહેર પદાધિકારી એટલે કે ધારાસભ્ય, પંચાયત કે મહાનગર પાલિકાનો ચૂંટાયેલો સભ્ય પ્રમુખપદ માટે દાવો કરી શકશે નહીં. અત્યાર સુધી મેન્ડેટના આધારે ચાલતી નિમણૂકો હવે લોકશાહી ઢબે થશે, તેમ પક્ષના સૂત્રોનું કહેવું છે.


ભાજપના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં મંડલ સ્તરે પ્રમુખ માટેની પ્રક્રિયા અલગ અલગ તારીખે શરૂૂ થશે. મહાનગર માટે 7 અને 8 ડિસેમ્બર એમ બે દિવસ માટે વોર્ડ (મંડલ) પ્રમુખ માટે જે કાર્યકરને ચૂંટાવાની ઇચ્છા હોય, તેણે આ બે દિવસમાં શહેરના ખાનપુર કાર્યાલય ખાતે સવારે 10થી બપોરે 3 વાગ્યા દરમિયાન પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને વિધિવત રીતે ફોર્મ ભરવાનું રહેશે. આવા કાર્યકરની ઉંમર 40 વર્ષ કે તેથી નાની હોવી જોઇશે. અપવાદરૂૂપે કોઇ કિસ્સામાં 45 વર્ષની છૂટ પ્રદેશ ચૂંટણી સમિતિની મંજૂરી પછી અપાશે. કુલ 2 વખત સક્રિય સભ્ય તરીકે કામ કરેલું હોવું જોઇશે. તેણે ફોર્મ સાથે સદસ્યતા પહોંચ, સક્રિય સદસ્યતા કાર્ડ અને નંબરનો પત્ર જોડવાનો રહેશે. વોર્ડ પ્રમુખ બનવા ઇચ્છુકે વોર્ડની ટીમમાં કે મહાનગરની ટીમમાં, સેલ, મોરચા, પ્રકલ્પમાં કામ કરેલું હોવું જોઇશે, વર્તમાનમાં સ્થાનિક ચૂંટણીમાં ચૂંટાયેલો કાર્યકર ફોર્મ ભરી શકશે નહીં. એટલે કે, અમદાવાદના વર્તમાન કોઇપણ કોર્પોરેટર વોર્ડ પ્રમુખ માટે ફોર્મ ભરી શકશે નહીં. જોકે, પ્રમુખ પદ માટે મહિલા કાર્યકરની પસંદગી થઇ શકશે. પ્રમુખ પદ માટે ફોર્મ ભરનારના પરિવાર એટલે કે માતા, પિતા, પત્ની, પુત્ર કે પુત્રી સંગઠનમાં જવાબદારી નિભાવતા હશે એ પણ ફોર્મ ભરી શકશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *