જૂનાગઢ-રાજકોટ હાઈ-વે પર વડાલ નજીક આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. નશામાં ચૂર એક ફોર્ચ્યુનર કારના ચાલકે આગળ જઈ રહેલા ટ્રેક્ટરને જોરદાર ટક્કર મારી હતી. નશો એટલો હદબહાર હતો કે અકસ્માત બાદ શખસે શરમ અનુભવવાને બદલે સ્થળ પર હાજર લોકો અને મજૂરો સાથે ગાળાગાળી કરી હતી. આ અકસ્માતમાં બે મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના સામે આવ્યું છે.
અકસ્માત એટલો ભયાનક હતો કે, ફોર્ચ્યુનર કાર ટ્રેક્ટર પર ચડી ગઈ હતી. નશામાં ધૂત કાર ચાલકની શાન ઠેકાણે નહોતી, તેણે સ્થળ પર જાહેરમાં કબૂલાત કરી હતી કે, ટ્રેક્ટર સહેજ અડતા જ તેને ગુસ્સો આવ્યો હતો અને તેણે જાણીજોઈને ટ્રેક્ટર પર કાર ચડાવી દીધી હતી. અકસ્માત બાદ આ શખ્સે રોડને બાનમાં લીધો હતો અને મનફાવે તેમ અપશબ્દો બોલી ધમાલ મચાવી હતી.
કારની ટક્કર એટલી પ્રચંડ હતી કે, ટ્રેક્ટરમાં ભરેલી માલસામાનની બોરીઓ હાઈ-વે પર વેરવિખેર થઈ ગઈ હતી. લક્ઝરી ફોર્ચ્યુનર કારના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ ઘટનાને પગલે હાઈ-વે પર બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા.
આ હિટ એન્ડ રન જેવી ઘટનામાં ટ્રેક્ટરમાં સવાર બે નિર્દોષ મજૂરોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સર્જી અને ધમાલ મચાવ્યા બાદ વાહનચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. હાલ વડાલ પોલીસ આ મામલે ગુનો નોંધી નશાખોર ચાલકની શોધખોળ હાથ ધરી છે.
