દુષ્કાળના ડાકલા: પ.કચ્છમાંથી પશુધન સાથે માલધારીઓની હિજરત

પશ્ચિમ કચ્છમાં ચાલુ ચોમાસામાં અપેક્ષા મુજબ વરસાદ ન થતાં અબડાસા, લખપત અને નખત્રાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માલધારીઓની મુશ્કેલી દિવસેને દિવસે ગંભીર બની રહી છે. વગડાઓમાં…

પશ્ચિમ કચ્છમાં ચાલુ ચોમાસામાં અપેક્ષા મુજબ વરસાદ ન થતાં અબડાસા, લખપત અને નખત્રાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માલધારીઓની મુશ્કેલી દિવસેને દિવસે ગંભીર બની રહી છે. વગડાઓમાં ઘાસચારો ઉપલબ્ધ ન રહેતાં તેમજ પાણીના સ્ત્રોતો પણ સુકાઈ જતાં મોટી સંખ્યામાં પશુધન ધરાવતા માલધારીઓ માટે પોતાના ઢોરને જીવાડવા મુશ્કેલ બન્યું છે. બીજી તરફ બજારમાં ઘાસચારાના ભાવ ઊંચા જતાં રોજિંદા ખર્ચનો બોજ પણ અસહ્ય બની રહ્યો છે.

છેલ્લા એક દાયકામાં સારા વરસાદના કારણે પશ્ચિમ કચ્છમાં પશુધનની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. દૂધ ઉત્પાદન અને પશુપાલન સાથે સંકળાયેલા પરિવારોની સંખ્યા પણ વધી છે. પરંતુ આ વર્ષે વરસાદ ખેંચાતા કુદરતી ઘાસચારા પર આધારિત આ સમગ્ર વ્યવસ્થા મુશ્કેલીમાં મુકાઈ છે. શ્રાવણ માસ પૂર્ણ થવાના આરે પહોંચ્યા છતાં વરસાદની રાહ જોતા માલધારીઓ હવે હિજરત સિવાયનો વિકલ્પ શોધી શકતા નથી.

લખપત તાલુકાના બેખડા અને છેલાવાંઢ સહિતના વિસ્તારોમાંથી કેટલાક માલધારીઓ પરિવાર અને ઘેટાં-બકરાં, ગાય-ભેંસ સહિતના પશુધન સાથે સુરેન્દ્રનગરના લીંબડી, પાટડી, માલવણ સહિતના વિસ્તારો તરફ સ્થળાંતર કરતા જોવા મળ્યા છે. માલધારીઓનું કહેવું છે કે પશુધન સાથે લાંબી હિજરત કરવી મજબૂરી બની છે. આવા વાહનો પાસેથી ટોલમાં રાહત અને માર્ગમાં પાણી તથા અન્ય જરૂૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પણ તેઓ તંત્ર સમક્ષ માંગ કરી રહ્યા છે.

માલધારીઓનો વધુ એક સવાલ એ છે કે હજુ સુધી ઘાસચારાના ડેપો શરૂૂ થયા નથી, જ્યારે ગૌચર અને સરકારી પડતર જમીનો પર થયેલા દબાણને કારણે પશુધન માટે ચરિયાણના વિસ્તારો સતત ઘટી રહ્યા છે. જો તંત્ર દબાણમુક્ત ગૌચર જમીનો ઉપલબ્ધ કરાવી તેમાં ઘાસચારો ઉગાડવાની વ્યવસ્થા કરે તો સ્થાનિક સ્તરે મોટી રાહત મળી શકે છે.

પશ્ચિમ કચ્છમાં કાર્યરત મોટી કંપનીઓ પણ આ સંકટમાં સામાજિક જવાબદારીના ભાગરૂૂપે આગળ આવે તેવી માંગ ઉઠી રહી છે. કંપનીઓ ગામડાઓને દત્તક લઈ ઘાસચારો, પાણી અને પશુધન માટેની સુવિધાઓ ઊભી કરે તો હજારો પશુપાલક પરિવારોને મદદ મળી શકે છે. કુદરત રૂૂઠી હોય ત્યારે સરકાર, સ્થાનિક પ્રતિનિધિઓ, ગ્રામ પંચાયતો અને કંપનીઓના સહિયારા પ્રયાસોથી પશ્ચિમ કચ્છના માલધારીઓ અને તેમના મૂંગા પશુધનને હિજરતમાંથી બચાવવાનો માર્ગ જરૂૂર બની શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *