જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં રોગી કલ્યાણ સમિતિના સરકારી ફંડમાંથી રૂૂ.1,36,19,350ની રકમની ગેરરીતિ કરી પોતાના અંગત ઉપયોગમાં લેવાના ગંભીર આક્ષેપો સાથે નોંધાયેલા ગુનામાં આરોપી શોભિત રાજેન્દ્ર પ્રસાદ ગર્ગે ચાર્જશીટ બાદ કરેલી જામીન અરજી જામનગરની મહે. ત્રીજી એડિશનલ સેશન્સ અદાલતે નામંજૂર કરી છે.
આ કેસની હકીકત મુજબ, વર્ષ 2025થી 2026 દરમિયાન આરોપી શોભિત રાજેન્દ્ર પ્રસાદ ગર્ગ નેશનલ હેલ્થ મિશન, ગાંધીનગરના એન.એચ.એમ. ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટ કર્મચારી તરીકે સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં ફરજ બજાવતો હતો. રોગી કલ્યાણ સમિતિને ગાંધીનગરથી મળતી સરકારી ગ્રાન્ટમાંથી દર્દીઓની સારવાર તેમજ સંસ્થાના આઉટસોર્સ કર્મચારીઓના પગાર સહિતના ખર્ચ કરવામાં આવતા હતા.
આરોપીએ રોગી કલ્યાણ સમિતિના સભ્યોની જાણ બહાર અલગ-અલગ તારીખે ચેકની રકમમાં કથિત રીતે ફેરફાર કરી તે ચેકો પોતાના બેંક ખાતામાં વટાવી લીધા હોવાનો આક્ષેપ છે. આ રીતે આરોપીએ પોતાના હોદાનો દુરુપયોગ કરી રૂૂ.1,36,19,350 જેટલી સરકારી રકમ મેળવી ગુનાહિત વિશ્વાસઘાત કર્યો હોવા અંગે ફરિયાદી દ્વારા તા.19 મે, 2026ના રોજ જામનગરના સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ફરિયાદની તપાસ દરમિયાન પોલીસે આરોપીની ધરપકડ કરી રિમાન્ડ બાદ તેને જેલ હવાલે કર્યો હતો. આરોપીએ ચાર્જશીટ પહેલાં પણ જામીન પર મુક્ત થવા અરજી કરી હતી, જે નામંજૂર થઈ હતી. ત્યારબાદ તપાસ પૂર્ણ થઈ ચાર્જશીટ રજૂ થયા બાદ આરોપીએ ફરીથી જામીન માટે સેશન્સ અદાલતમાં અરજી કરી હતી.
જામીન અરજીની સુનાવણી દરમિયાન જિલ્લા સરકારી વકીલ જમન કે. ભંડેરીએ અદાલત સમક્ષ દલીલ કરી હતી કે આરોપીનું નામ ફરિયાદમાં પહેલેથી જ દર્શાવવામાં આવ્યું છે અને તેની સામે ગુનાહિત વિશ્વાસઘાત જેવા ગંભીર પ્રકારનો ગુનો નોંધાયેલો છે. આરોપી દ્વારા રોગી કલ્યાણ સમિતિના અંદાજે રૂૂ.1.36 કરોડના સરકારી નાણાંની ગેરરીતિ કરવામાં આવી હોવાનો આક્ષેપ છે.
સરકારી વકીલે વધુમાં રજૂઆત કરી હતી કે આ રકમ ગરીબ દર્દીઓની સારવાર તેમજ હોસ્પિટલના આઉટસોર્સ કર્મચારીઓના પગાર માટે મળેલી સરકારી ગ્રાન્ટ હતી. આરોપીએ સરકારી નાણાં પોતાના બેંક ખાતામાં મેળવ્યા બાદ સુરત, હરિયાણા તથા અન્ય રાજ્યોના શંકાસ્પદ ખાતાધારકો તેમજ ગુનાના સહઆરોપીના ખાતામાં રકમ ટ્રાન્સફર કરી હોવાની તપાસમાં વિગતો સામે આવી છે.
રોગી કલ્યાણ સમિતિના નાણાંનો ઉપયોગ સરકારી હોસ્પિટલમાં દર્દીઓની સારવાર, દવાઓ, તબીબી સાધનો અને આરોગ્યલક્ષી સેવાઓ માટે કરવામાં આવે છે. આરોપીના કૃત્યથી જાહેર આરોગ્ય સેવાઓ તથા દર્દીઓના હિતને સીધી અસર થઈ હોવાની દલીલ પણ સરકારી વકીલ દ્વારા કરવામાં આવી હતી.
વધુમાં આરોપીને જામીન પર મુક્ત કરવામાં આવે તો તે દસ્તાવેજી તથા ડિજિટલ પુરાવા સાથે ચેડાં કરી શકે તેમ હોવાની અને તેનાથી તપાસ તથા કેસને નુકસાન પહોંચવાની શક્યતા દર્શાવી આરોપીની જામીન અરજી નામંજૂર કરવા અદાલત સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. આરોપીનો ગુનામાં મહત્વનો રોલ હોવાની પણ દલીલ કરવામાં આવી હતી. બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ જામનગરના ત્રીજા એડિશનલ સેશન્સ જજ આર.વી. માંડાણીએ આરોપી શોભિત રાજેન્દ્ર પ્રસાદ ગર્ગની ચાર્જશીટ બાદની જામીન અરજી નામંજૂર કરવાનો હુકમ કર્યો હતો.
