દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નહીવત વરસાદના કારણે સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આમ આદમી પાર્ટી દ્વારા ખંભાળિયામાં ખેડૂતલક્ષી વિવિધ મુદ્દે પ્રતિક ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વચ્ચે આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ તથા કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામે એક મહત્વપૂર્ણ મુદ્દા પર વાત કરતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં ઓછા વરસાદના કારણે દુષ્કાળ જાહેર કરવો પડે એવી પરિસ્થિતિ છે. પરંતુ સરકાર દુષ્કાળ જાહેર કરતી નથી.
ખંભાળિયામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને ખેડૂત નેતા ઈસુદાન ગઢવી દ્વારા તાજેતરમાં પાંચ દિવસના ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ પ્લાન- બી ની જાહેરાત કરવામાં આવી હતી. એ પ્રમાણે ગુજરાતમાં 10 ઈંચ કરતાં ઓછો વરસાદ અને જ્યાં 28 દિવસ સુધી સતત વરસાદ નથી પડ્યો એવા તાલુકાઓમાં આવેલા દરેક ગામની અંદર ‘ગામ સત્યાગ્રહ’નું આયોજન કરવામાં આવશે. આમ આદમી પાર્ટીની 108 ટીમો દરેક ગામડાઓમાં જશે અને ગામે ગામ જઈને દુષ્કાળ જાહેર કરવાની જે અરજી છે, એ અરજી ખેડૂતો પાસેથી લેવામાં આવશે.
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે જણાવ્યું હતું કે, આ તમામ અરજીઓ ભેગી કરીને બીજી ઓક્ટોબરના રોજ ગાંધીનગર ખાતે હજારોની સંખ્યામાં ખેડૂતો સાથે કૂચ કરવામાં આવશે અને સરકાર પાસે ખેડૂતો પોતાનો હક માંગશે. તો આ પ્લાન બી બુધવાર તા. 9 સપ્ટેમ્બરથી શરૂૂ થાય છે. આજથી રાજ્યના કુલ 108 તાલુકાઓમાં આમ આદમી પાર્ટીની ટીમો જશે અને ગામડે ગામડેથી ખેડૂતો પાસેથી અરજી લેવામાં આવશે. તો આવતીકાલથી મોટા પ્રમાણમાં આંદોલનની શરૂૂઆત થશે. જ્યાં સુધી દુષ્કાળ જાહેર કરવામાં નહીં આવે અને સરકાર ખેડૂતોને રાહત નહીં આપે ત્યાં સુધી આમ આદમી પાર્ટીની લડાઈ ચાલુ રહેશે. આટલું જ નહીં તો જરૂૂર પડશે તો આવનારા સમયમાં પ્લાન- સી ની પણ જાહેરાત કરવામાં આવશે. અને આમ આદમી પાર્ટી ખેડૂતો માટે સતત લડતી રહેશે તેમ વધુમાં જણાવાયું છે.
