સ્થાનિકોએ શ્ર્વાનોના ટોળાંને ભગાડી ઇજાગ્રસ્ત આધેડને સારવારમાં ખસેડતા દમ તોડયો
શહેરની ભાગોળે ગોંડલ હાઇવે પર આવેલા પારડી ગામે દારૂ પી સુઇ ગયેલા શ્રમિક આધેડ ઉપર શ્ર્વાનોના ટોળાએ હુમલો કરી ફાડી ખાતા તેનું મોત નીપજયું છે. નશામાં રહેલા શ્રમિક ઉપર શ્ર્વાનોએ હુમલો કરી બચકા ભરી લેતા સ્થાનિકોએ શ્ર્વાનોને ભગાડી સારવારમાં ખસેડાયા હતા. જો કે ગંભીર હાલતમાં રહેલા આધેડનું સારવારમાં મોત નિપજયું હતું.
જાણવા મળતી વિગત મુજબ મુળ બિહારના વતની અને હાલ પારડી ગામે આવેલા પૂજા ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં મજુરી કામ કરતા બિજયદાસ સહદેવદાસ (ઉ.વ.45) નામના શ્રમિક આધેડ ગત શનિવારે રાતે દારૂ પી કારખાના નજીક સુઇ ગયો હતો. દરમિયાન શ્ર્વાનોના ટોળાએ નશામાં ધુત આધેડ ઉપર હુમલો કરી બચકા ભરી લીધા હતા. જેથી ત્યાંથી પસાર થતા સ્થાનિક લોકોએ શ્ર્વાનોને ભગાડી ગંભીર રીતે ઘવાયેલા આધેડને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા હતા.
જો કે ટુંકી સારવાર દરમિયાન તેમનું હોસ્પીટલના બિછાને મોત નીપજયું હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી શાપર પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પીટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહનું ફોરેન્સીક પીએમ કરાવાયું હતું. પ્રાથમિક તપાસમાં મૃતક એક વર્ષથી અહીં રહેતો હતો અને તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.
