શહેરમાં પોલીસનો ખૌફ ઓસરવા લાગ્યો: ગંભીર ગુનાઓનું પ્રમાણ વધ્યું
જંગલેશ્ર્વરનો બનાવ: યુવતીએ 4 દિવસ પહેલાં યુવક વિરુદ્ધ હેરાન કરતો હોવાની અરજી કરી’તી જેનો ખાર રાખી છરીના પાંચ ઘા ઝીંકી પોતે પણ પેટમાં બે ઘા ઝીંકી લીધા: બંનેની હાલત ગંભીર
શહેરમાં છેલ્લા થોડા સમયથી પોલીસનો ખૌફ ઓસરી રહ્યો હોય તેમ હત્યા, હત્યાની કોશીશ, લૂંટ, ચોરી જેવા ગંભીર બનાવોનુ પ્રમાણ વધી રહ્યુ છે. શહેરના સામાકાઠે થયેલી બેવડી હત્યાની બનાવની હજુ શાહી સુકાઇ નથી ત્યા વધુ એક હત્યાના પ્રયાસનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જંગલેશ્ર્વર વિસ્તારમાં ધરાર પ્રેમીએ પ્રેમીકાને છરીના ઘા ઝીંકી પોતે પણ પેટમાં છરી હુલાવી આપઘાતનો પ્રયાસ કરતા બંન્ને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જયા બંન્ને હાલત નાજુક હોવાનુ જાણવા મળ્યુ છે. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે અને હોસ્પિટલે દોડી ગયો હતો અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ જંગલેશ્ર્વર વિસ્તારમાં આવેલી રાધાકૃષ્ણ સોસાયટી શેરી નં.12માં રહેતી ભારતી અશોકભાઇ સાથરીયા (ઉ.વ.23)નામની યુવતી આજે સવારે જંગલેશ્ર્વરમાં હુસેની ચોક પાસે મચ્છી વેચતી હતી ત્યારે કુવાડવા રોડ પર સાતહનુમાન નજીક રંગીલા સોસાયટીમાં રહેતો તેનો ધરાર પ્રેમી સંજય વિનોદભાઇ મકવાણા ધસી આવ્યો હતો અને યુવતી સાથે ઝઘડો કરી છરી વડે તુડી પડયો હતો જેમાં ધરાર પ્રેમીએ યુવતીને પેટ, છાતી, હાથ અને પગમાં છરીના પાંચ જેટલા ઘા ઝીંકી દીધા હતા બાદમાં સંજયે પોતાના પેટમાં છરીના બે ઘા ઝીંકી આપઘાતનો પ્રયાસ કરતા બંન્ને યુવક-યુવતી લોહી લુહાણ હાલતમાં ઘટના સ્થળે ઢળી પડયા હતા.જંગલેશ્ર્વરમાં દીન દહાડે પ્રેમીએ પ્રેમીકાને છરીના ઘા ઝીંકી પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યાના બનાવથી લોકોના ટોળા એકથા થઇ ગયા હતા. યુવક-યુવતીને લોહી લુહાણ હાલતમાં 108 મારફત સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જયા તબીબો દ્વારા બંન્ને ઓપરેશન માટે લઇ જવામા આવ્યા હતા. બનાવની જાણ થતા ભકિતનગર પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે અને હોસ્પિટલે દોડી ગયો હતો. પ્રાથમિક તપાસમાં ભારતી એક ભાઇ ચાર બહેનમાં વચેટ છે. તેનીના અગાઉ ચુનારવાડામાં લગ્ન થયા હતા અને ત્રણ વર્ષ પહેલા છુટાછેડા થઇ જતા હાલમાં તેણી રાધાકૃષ્ણ સોસાયટીમાં માતા અને બહેનો સાથે રહી મચ્છી વેચવાનુ કામ કરે છે. ભારતીની બહેનના જણાવ્યા મુજબ આરોપી સંજય મકવાણા ભારતીને એક તરફી પ્રેમ કરતો હોય અને હેરાન કરતો હોવાથી ભારતીએ ચાર દિવસ પહેલા ભકિતનગર પોલીસ સ્ટેશનમાં સંજય મકવાણા વિરૂદ્ધ હેરાન કરતો હોવાની અરજી કરી હતી.
જેમા આરોપીની ધરપકડ થયા બાદ તે છુટી ગયો હતો અને પોલીસમા અરજી કર્યાનો ખાર રાખી આજે ભારતી જંગલેશ્ર્વરમાં મચ્છી વેચતી હતો જયા ધસી આવી છરીના ઘા ઝીંકી દય પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યાનુ જણાવ્યુ હતુ.જયારે સંજય મકવાણા મુળ ચોટીલાના ચીરોડ ગામનો વતની અને હાલ રંગીલા સોસાયટીમાં રહી બંગળીનુ કામ કરતો હોવાનુ જણાવા મળ્યુ છે. તે એક ભાઇ બે બહેનમાં મોટો છે અને 10 વર્ષથી ભારતી સાથે પ્રેમ સંબંધ હોવાનુ તેના પરિવાર જનોએ જણાવ્યુ હતુ. હાલમાં બંન્નેની હાલત ગંભીર હોવાનુ તબીબો દ્વારા જણાવામાં આવ્યુ છે. આ અંગે ભકિતનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ડબલ મર્ડરની શાહી સુકાઈ નથી ત્યાં વધુ એક હત્યાના પ્રયાસની ઘટનાથી પોલીસમાં દોડધામ
રાજકોટમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળથી જણાઈ રહી છે ત્યારે સોમવારે સામા કાંઠે આર્ય નગરમાં નજીવી બાબતે ડબલ મર્ડરની ઘટના ઘટી હતી.જેની શાહી હજુ સુધી સુકાઈ નથી ત્યારે રાજકોટ શહેરમાં વધુ એક ગંભીર ઘટના સામે આવી છે.શહેરના જંગલેશ્વરમાં સંબંધ રાખવા યુવતીની પાછળ પડી ગયેલા ધરાર પ્રેમીએ છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કર્યો હતો અને પોતે પણ આપઘાતનો પ્રયાસ કરતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે.