ગીરગઢડા તાલુકાના 25 કિ.મી. દૂર ગીર જંગલની બોર્ડરને અડીને આવેલા નગડિયા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહ્ન ભોજન માટે પૂરી પાડવામાં આવેલી તુવેર દાળમાં મોટા પ્રમાણમાં ફૂગ જોવા મળતાં સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
નિર્દોષ ભૂલકાં ઓના આરોગ્ય સાથે થયેલી આ ગંભીર બેદરકારીએ ગ્રામજનોમાં આક્રોશની જ્વાળા ભડકાવી દીધી છે.માહિતી મુજબ, મધ્યાહ્ન ભોજનનો જથ્થો શાળામાં પહોંચતા જ આચાર્ય અને શિક્ષકોએ નિયમિત તપાસ હાથ ધરી હતી. દરમિયાન તુવેર દાળ માં સફેદ અને લીલાશ પડતી ફૂગ લાગેલી હોવાનું ધ્યાને આવ્યું હતું.તાત્કાલિક પુરવઠા વિભાગને જાણ કરવામાં આવી હતી બીજી તરફ આ ઘટના વાયુવેગે ગામમાં પ્રસરતા જ રોષે ભરાયેલા વાલીઓ અને આગેવાનો શાળાએ દોડી આવ્યા હતા અને મામલતદાર કચેરી તેમજ પુરવઠા વિભાગને લેખિત રજૂઆત કરી હતી.
ગ્રામજનોએ એકસૂરે નિર્ણય લીધો છે કે જ્યાં સુધી સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા જવાબદાર અધિકારીઓ, ગોડાઉન મેનેજર અને સપ્લાયર એજન્સી સામે કડક શિક્ષાત્મક અને ફોજદારી કાર્યવાહી નહીં કરવાં આવે અને બાળકોને ગુણવત્તાયુક્ત, સલામત ભોજન મળવાની લેખિત ખાતરી આપવામાં નહીં આવે, ત્યાં સુધી ગામનું એક પણ બાળક શાળાના ઉંબરે પગ નહીં મૂકે.
ગામના આગેવાન અને ભાજપ તાલુકા પંચાયત સભ્યના પ્રતિનિધિ હરેશભાઈ બલદાણીયાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, સરકાર બાળકોના પોષણ માટે કરોડો રૂૂપિયા ખર્ચે છે, પરંતુ તંત્રની ઘોર બેદરકારી ના કારણે ફૂગવાળી દાળ બાળકોના મોઢામાં જાય છે. શાળામાં અભ્યાસ કરતી એકવિદ્યાર્થિની એ સૂર વ્યક્ત કરતાં જણાવ્યું કે, અમે રોજ શાળામાં જમીએ છીએ. આવી ખરાબ દાળ ખાઈનેઅમે બીમારી પડી એ તો જવાબદાર કોણ? અમને સારું અને ચોખ્ખું જમવાનું જોઈએ ઘટનાની ગંભીરતાને પગલે નાયબ મામલતદાર મેહુલભાઈ ચૌહાણ સહિતઅધિકારી ની ટીમ તાત્કાલિક નગડિયા પ્રાથમિક શાળાએ દોડી આવી હતી અને ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. સમગ્ર જથ્થાની ગુણવત્તા તપાસવા પુરવઠા વિભાગની વિશેષ ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી.
આ અંગે નાયબ મામલતદાર મેહુલભાઈ ચૌહાણે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, શાળામાં મોકલવામાં આવેલી કુલ 10 બોરી તુવેર દાળમાંથી પ્રાથમિક તપાસમાં 1 બોરીમાં ફૂગ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર જથ્થો ચેક કરાયો છે. આધારે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ નિયમોનુસાર કડક કાર્યવાહી કરવામાં આવશે.
