ભાવનગરમાં નજીવી બાબતે બે જૂથો વચ્ચે સશસ્ત્ર ધીંગાણું

ભાવનગર શહેરના મફતનગર વિસ્તારમાં આવેલા ખેડૂતવાસ, મનાભાઇના ચોકમાં ગઈકાલે રાત્રે ગાળો બોલવા જેવી નજીવી બાબતે બે પાડોશી જૂથો વચ્ચે સશસ્ત્ર મારામારી થતાં વિસ્તારમાં ભારે તંગદિલી…

ભાવનગર શહેરના મફતનગર વિસ્તારમાં આવેલા ખેડૂતવાસ, મનાભાઇના ચોકમાં ગઈકાલે રાત્રે ગાળો બોલવા જેવી નજીવી બાબતે બે પાડોશી જૂથો વચ્ચે સશસ્ત્ર મારામારી થતાં વિસ્તારમાં ભારે તંગદિલી ફેલાઈ ગઈ હતી. આ હિંસક ઘટનામાં બંને પક્ષે ગોકીરો કરનારાઓ સામે સામસામી ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ઘટના અંગે પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ, ખેડૂતવાસ મ્યુનિસિપાલિટી ક્વાર્ટર્સ સામે મનાભાઇનો ચોક, મફતનગર ખાતે રહેતા મહેશ મોટાભાઈ ગોહિલ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, રાત્રે સાડા નવ વાગ્યે તેઓ તેમના ઘર પાસે ઊભા હતા. તે સમયે તેમના ઘર પાસે ગોપાલ ઉર્ફે કેયુ બોલતો હતો અને તેના ભાઈઓ ગાળો બોલતા હતા.

મહેશભાઈ ના પિતા બુધાભાઈએ તેમને ગાળો બોલવાની ના પાડતા, ઉશ્કેરાયેલા ગોપાલ, રોહિત, કાળુ, જગદીશ, ચેતન, નિકેશ સહિતના શખ્સો એકસંપ થઈ તલવાર, લોખંડના પાઇપ, છરી અને ધારીયા જેવા ઘાતક હથિયારો સાથે ધસી આવ્યા હતા અને હુમલો કર્યો હતો. આ હુમલામાં મહેશભાઈ ને ડોક અને વાંસાના ભાગે, જ્યારે તેમના પિતા બુધાભાઈ અને ભાઈ અલ્તાફને માથા અને અન્ય ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.

જ્યારે સામા પક્ષની વળતી ફરિયાદ તલવાર, ફરસી અને પથ્થરમારો બાબતે ગોપાલ ઉર્ફે કેયુ કિશોરભાઈ વાઘેલા ઉ.વ. 30 એ વળતી ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યા મુજબ, તેઓ અને તેમના ભાઈઓ ચોકમાં ઊભા હતા ત્યારે મહેશ ગોહેલ, કલ્પેશ, કિશોરભાઈ અને કરણભાઈ ત્યાં આવ્યા હતા અને ’અમારા ઘર પાસે કેમ રાડો પાડો છો’ તેમ કહી ગાળો આપી હતી.

ગોપાલે તેના મિત્રોને બોલાવતા સામા પક્ષે તલવાર, લોખંડના ફરસા અને પથ્થરોથી હુમલો કર્યો હતો. જેમાં મહેશે ગોપાલને માથામાં તલવારના ઘા માર્યા હતા, જ્યારે કલ્પેશે લોખંડના ફરસાથી ગોપાલ અને તેના મિત્ર ચેતનને ઇજાઓ પહોંચાડી હતી. અન્ય આરોપીઓએ ઈંટો અને પથ્થરમારો કર્યો હતો.

આ બનાવથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો. આ ધીંગાણા અને સામસામા પથ્થરમારામાં બંને પક્ષે ગંભીર રીતે ઘવાયેલા લોકોને 108 એમ્બ્યુલન્સ મારફતે ભાવનગરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *